ચાર વર્ષ પહેલા ગૌચર જમીન દબાણ અંગે ફરીયાદ થઈ હતી
દબાણવાળી ગૌચર જમીન માપણીના તંત્રએ લગાવેલા ખુંટા પણ દબાણકારોએ હટાવી દીધા હતા
ભુજ: રાપર તાલુકાના રામવાવની ગૌચર જમીનમાં મોટા પાયે દબાણ કરી લેવામાં આવ્યું હતું. જે અંગે વર્ષ ર૦ર૦ માં અરજી કરી ગૌચરજમીન ખુલ્લી કરવા માટે અરજી કરવામાં આવી હતી. રાપર તાલુકા પંચાયત તરફથી ગ્રામ પંચાયતને આ અંગે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. અંતે ચાર વર્ષ ચાલેલી કામગીરી બાદ તાલુકા વિકાસ અધિકારીએ ૩૩ વ્યક્તિ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે પ્રાંત કચેરીને લેખીતમાં જણાવવામાં આવ્યું છે.
રાપર તાલુકાના રામવાવની ગૌચર જમીન સર્વે નં.૯૬૬/ર,૯૬૭ અને ૯૬૮ માં દબાણો કરવામાં આવેલા જેને દુર કરવા માટે શીવુભા દેશળજી જાડેજાએ વર્ષ-ર૦ર૦ ના રોજે અરજી કરેલી હતી. જે અંતર્ગત ગ્રામ પંચાયતે કાર્યવાહી કરી ડી.આઈ.એલ.આર. કચેરી મારફતે માપણી ફી ભરી માપણી કરાવી હતી. આ માપણી કરાયા બાદ ગૌચર જમીનમાં દબાણો મળી આવ્યા હતા જેને દુર કરવા ૧૧૧ નોટીશો આપવામાં આવી હતી. જેમાં સર્વે નં. ૯૬૬/ર માં કોમર્શીયલ-૭, રહેણાંક-૩પ, ખેતી વિષયક-પ, તેમજ સર્વે નં.૯૬૭ માં ખેતી વિષયક-૧૬ અને સર્વે નં.૯૬૮ માં રહેણાંક-૩ર, ખેતી વિષયક-૧૬ કુલ કોમર્શીયલ-૭, રહેણાંકના-૬૭ અને ખેતી વિષયક-૩૭ મળી કુલ્લ ૧૧૧ દબાણો કાર્યવાહી દરમ્યાન શોધવામાં આવ્યા હતા.
રામવાવ ગ્રામ પંચાયત દ્વારા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.પરંતુ માપણીમાં અરજદારે અસંતોષ વ્યક્ત કરતા ફેરમાપણી કરવામાં આવી હતી.ત્યારબાદ પોલિસ બંદોબસ્ત સાથે રાખીને ૯ દુકાનો અને ૧ મીલ દુર કરવામાં આવી હતી. જેમાં હદ ચોક્કસાઈના પ્રશ્ન ઉપસ્થિત થતા દબાણો દુર કરવા માટેના ખુંટ લગાવી કામગીરી કરેલ હતી. જે દરમ્યાન ડીઆઈએલઆર દ્વારા ફેરમાપણી કરી હદ નિશાનના ખુંટ લગાવેલ હતા તે દબાણકર્તાઓએ ખુંટ પણ દુર કરી નખાયા હતા. જે દબાણકર્તાઓએ હદ નિશાનના ખુંટ દુર કરી નખાયા હતા તેમના નામ જોગની યાદી તાલુકા પંચાયત કચેરી રાપર દ્વારા તૈયાર કરી ભચાઉ પ્રાંત કચેરીને લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.