Vikas Dubey Snake Bite: ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક યુવકને 7 વખત સાપે ડંખ માર્યાનો મામલો ચર્ચામાં છે પરંતુ આ ઘટનામાં હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે, યુવકને માત્ર એક જ વાર સાપે ડંખ માર્યો હતો પરંતુ એક બીમારીના કારણે યુવક વિચારતો રહ્યો કે કોઈ સાપ તેને વારંવાર કરડી રહ્યો છે. આ માટે તે હોસ્પિટલ પણ જતો જેથી ડોક્ટરો તેની સારવાર કરી શકે. આરોગ્ય વિભાગે આ મામલાને લગતો રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કર્યો તો બધા ચોંકી ગયા છે.આખી ઘટનામાં યુવકને સ્નેક ફોબિયા (Snake Phobia)હોવાનું જાણવા મળ્યું.
શું છે સમગ્ર ઘટના?
ફતેહપુરના સૌરા ગામના રહેવાસી વિકાસ દુબેએ દાવો કર્યો હતો કે, તેને 40 દિવસમાં સાત વખત સાપે ડંખ માર્યો હતો. આ ઘટના સ્થાનિક લોકો,વૈજ્ઞાનિકો અને ડોક્ટરોમાં પણ ચર્ચાનો વિષય બની હતી.
વિકાસે દાવો કર્યો કે, જ્યારે તે ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે સાપે તેને પહેલીવાર ડંખ માર્યો હતો. ત્યારે વિકાસે આ ઘટનાને સામાન્ય ઘટના તરીકે જોઇ પરંતુ આ પછી દર અઠવાડિયે સાપ તેને કરડતો રહ્યો. તેઓ વારંવાર ફતેહપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતા હતા. ત્યાં તેને એન્ટી વેનમ ઈન્જેક્શન આપવામાં આવતા હતા.
વિકાસે દાવો કર્યો હતો કે,એક જ સાપ તેને વારંવાર ડંખ મારે છે. આટલુ જ નહીં તેના સપનામાં પણ સાપ આવ્યો હતો. સપનામાં સાપે કહ્યું કે,’ હું તને 9 વાર ડંખ મારીશ અને 8 વખત તુ બચી જઇશ..પણ 9મી વખતે હુ તને મારી સાથે લઇ જઇશ.’
ત્યારબાદ પ્રશાસને આ ઘટનાની તપાસ કરી હતી. રિપોર્ટમાં સામે આવ્યુ કે,સ્નેક ફોબિયાના કારણે વિકાસને લાગ્યું કે, તેને વારંવાર સાપ કરડી રહ્યો છે. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, વિકાસની વારંવાર સારવાર કરનારા તબીબોની પણ ભૂલ હતી. જો વિકાસને અગાઉથી જ કહેવામાં આવ્યું હોત કે, તેને સાપે ડંખ માર્યો નથી, તો કદાચ તે આટલા લાંબા સમય સુધી ડરમાં ન રહ્યો હોત. આમ, વિકાસ જૂઠ્ઠું નહોતો બોલતો પંરતુ સ્નેક ફોબિયાના કારણે તેને આ ભ્રમ થઇ રહ્યો હતો.