મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઝડપી ઉછળ્યા હતા. ચાંદી નીચી ખુલ્યા પછી ફરી ઉંચકાઈ હતી. વિશ્વ બજારમાં સોનામાં તેજી આગળ વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે સોનામાં તેજીનો ચમકારો દેખાયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૭૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૬૨૦૦ બોલાતા થયા હતા.
જો કે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૯૨૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૪૧૯થી ૨૪૨૦ વાળા વધી ૨૪૪૪થી ૨૪૪૫ થઈ ૨૪૩૦થી ૨૪૩૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી. જો કે વૈશ્વિક ચાંદી નરમ હતી.
વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૭૮ વાળા નીચામાં ૩૦.૪૮ થઈ ૩૦.૫૧ ડોલર રહ્યા હતા. ચીનની નવી માગ ધીમી પડવાની ભીતિ વચ્ચે વૈશ્વિક ચાંદી, કોપર, ક્રૂડતેલ, પ્લેટીનમ તથાી પેલેડીયમના ભાવમાં પીછેહટ દેખાય હતી. એકમાત્ર સોનાના ભાવ ઉંચા જતા દેખાયા હતા.
દરમિયાન, ભારતમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વૃદ્ધી કર્યાના સમાચાર હતા તથા તેના પગલે કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઉંચી ગયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આવી ટેરીફ વેલ્યુ સોનામાં ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૭૪૮થી વધી ૭૭૫ ડોલર કરાઈ છે. જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૯૩૪ વાળી વધી ૧૦૦૦ ડોલર કરાઇ છે.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૨૬૪૦ વાળા વધી રૂ.૭૩૦૪૫ રહ્યા હતા. ૯૯.૯૦ના ભાવ રૂ.૭૨૯૩૨ વાળા રૂ.૭૩૩૩૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૧૮૩૫ વાળા રૂ.૯૧૮૦૨ ખુલી ૯૨૦૧૪ રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટી ૯૮૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૩૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે દોઢ ટકો તૂટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૮૩.૩૦ થઈ ૮૩.૪૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૦.૨૨ ડોલર થઈ ૮૦.૪૯ ડોલર રહ્યા હતા.