ટ્રસ્ટના તમામ આવાસો સંલગ્ન ભોજનાલયમાં યુનિફોમ સજ્જ સ્ટાફ : ભોજનાલય સ્ટાફ અને યાત્રિકો કરબદ્ધ ઉભા થઈ જાય અને માતાજીની આરતી થાય, એ વખતે ભોજન પૂર્વે ખડું થતું દિવ્ય વાતાવરણ
પ્રભાસપાટણ,: યાત્રાધામ સોમનાથમાં દેશ અને વિદેશથી તેમજ સ્થાનિક સૌરાષ્ટ્રમાંથી અનેક યાત્રિકો દર્શનાર્થે આવે છે નજીકના સમયમાં શ્રાવણ માસ આવી રહ્યો છે. એની અહી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અહી એક નવી પરંપરા ઉમેરાઈ છે. જેમાં તમામ આવાસોમાં સંલગ્ન ભોજનાલયોમાં ભોજન પૂર્વે અન્નપૂર્ણા માતાજીને થાળ ધરી આરતી કરવામાં આવે છે. અને આરતી પૂરી થયે ધરાયેલા થાળને ભોજન સાથે મિલાવી દઈ બધાને પ્રસાદ સ્વરૂપે પિરસવામાં આવે છે.
અગાઉ ટ્રસ્ટ સંચાલિત ખખડધજ ધર્મશાળાઓ હતી પણ સમયાંતરે સુવિધાઓમાં વધારો કરીને આવાસ વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવી છે.તેમજ ભોજન પ્રબંધ પણ સુધારવામાં આવ્યો છે. અહી ટ્રસ્ટ સંચાલિત ચાર ભોજનાલયો આવેલા છે. જેમાં સાગરદર્શન, લીલાવતી,માહેશ્વરી, અને એક નિશૂલ્ક ભોજનાલયનો સમાવેશ થઈ જાય છે. આ ચારે ય ભોજનાલયોમાં સવારે અને સાંજે રસોઈ બની ગયા બાદ સવારે પોણા અગિયારે અને સાંજે પોણા સાત વાગ્યાના અરસમાં અન્નપૂર્ણા આરતી કરવામાં આવે છે. જેમાં જે રસોઈ બની હોય એ રસોઈનો થાળ બનાવીને માતાજી સમીપે ધરવામાં આવે છે. દીવા બતી અને ધૂપદીપ કરવામાં આવે છે. રસોઈ બનાવનારા રસોઈયાઓ, સાથેનો તમામ સહાયક સ્ટાફ, અને યાત્રિકો કરબદ્ધ ઉભા રહીને આરતીમાં જોડાય છે. આ વખતે ઈલેક્ટ્રિક નગારાઓ અને રેકોર્ડડ આરતી વાગે છે. જે પુરી થઈ ગયા પછી ધરાયેલો થાળ બની ગયેલા ભોજન સાથે મિલાવી સમગ્ર રસોઈને પ્રસાદ સ્વરૂપ આપીને બાદમાં પિરસવામાં આવે છે. ભોજન પૂર્વે અહી શ્લોકો અને સ્રોત્રોની રમઝટ બોલે છે. એ પછી સૌ કોઈ ભોજન પ્રસાદ આરોગે છે. તેમજ ભોજન પહેલા બનેલા દિવ્ય વાતાવરણ વચ્ચે ભોજન લઈને ધન્યતા અનુભવે છે.આ પરંપરા છેલ્લા બે માસથી ચાલુ થઈ છે.