લોહીની દુર્લભ બીમારી ધરાવતી કિશોરી બ્રેઈન ડેડ બની
માતાપિતાએ હૈયું કઠણ કરી દીકરીનાં હૃદય, લીવર તથા 2 કિડનીના દાનનો નિર્ણય કર્યો
મુંબઇ : પરેલમાં બાઈ જેરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રનમાં ૧૨ વર્ષીય કિશોરીને ચાર વર્ષથી લોહીની દુર્લભ બીમારી સામે લડી રહી હતી. જો કે, વાડીયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેં બ્રેઈન ડેડ થયા બાદ તેના માતા પિતાએ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં કિડની,લીવર અને હૃદયનું દાન કરીને ચાર બાળદર્દીઓના જીવ બચાવ્યા હતા અને તેમને નવુ જીવન પ્રદાન કર્યું હતું.
સાંતાક્રુઝમાં આઠમાં ધોરણમાં ભણતી વૈદહી તનવડે (ઉં.વ . ૧૨)ને સપ્ટેમ્બર ૨૦૨૦માં, ઈમ્યુન થ્રોમ્બોસાયટોપેનિક પુરપરા (આઈટીપી) હોવાનું નિદાન થયું હતું. જે એક ગંભીર રોગ છે. આ રોગમાં લોહી ગંઠાઈ જતું નથી. આમાં ઘામાં સામાન્ય કરતા વધુ રક્તસ્ત્રાવ થાય છે અથવા કોઈ કારણ વગર પણ શરીરમાંથી રક્ત સ્ત્રાવ શરુ થઈ શકે છે. આથી વૈદેહીની ચાર વર્ષથી સારવાર ચાલી રહી હતી. ગયા અઠવાડિયે વૈદેહીને લોહીની ઉલટી શરુ થતાં શનિવારે વહેલી સવારે વાડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તબીબીઓએ ત બ્રેઈન ડેડ હોવાનું જાહેર કર્યું હતું.
બ્રેઈન ડેડ જાહેર થયા બાદ હોસ્પિટલ પ્રશાસને તેના માતા પિતાને અંગદાન અંગે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. આ પછી માતા પિતાએ વૈદેહીની કીડની, લીવર અને હૃદયનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
પુત્રીના અંગોનું દાન કરવાનો આ હિંમત ભર્યો નિર્ણય લેવા બદલ વાડિયા હોસ્પિટલે વૈદેહીના માતા પિતાની પ્રશંસા કરી હતી. આ માતા પિતાએ તેમની પુત્રી ગુમાવી, પરંતુ ચાર દર્દીઓના જીવ બચાવ્યા હતા.
જેમાં કિડની વાડીયા હોસ્પિટલના દર્દીને આપવામાં આવી હતી. જ્યારે બીજી કીડની મહાપાલિકા હોસ્પિટલને આપવામાં આવી હતી. તો લીવરને પરેલની એક ખાનગી હોસ્પિટલમાં અને હૃદયને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.