Image: Facebook
ICC T20 Rankings: ઈન્ડિયા વિરુદ્ધ ઝિમ્બાબ્વે પાંચ મેચની સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના બેટથી ખૂબ રન નીકળ્યા અને તેનો ફાયદો બંનેને ચાલુ ટી20 રેન્કિંગમાં પણ મળ્યો. યશસ્વી જયસ્વાલને ચાર સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે હવે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. ઋતુરાજ ગાયકવાડને એક સ્થાનનું નુકસાન થયું અને તે 8માં નંબરે પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવ આ સિરીઝનો ભાગ નહોતો, જોકે તેની રેન્કિંગ પર કોઈ અસર પડી નથી અને તે બીજા નંબરે છે. પહેલા નંબરે ઓસ્ટ્રેલિયા બેટ્સમેન ટ્રેવિલ હેડ છે. આ રીતે ટોપ-10 ટી20 બેટર્સમાં ત્રણ ભારતીય ખેલાડી સામેલ છે. શુભમન ગિલને રેન્કિંગમાં 36 સ્થાનનો ફાયદો મળે છે અને તે હવે 37માં નંબરે પર આવી ગયો છે. ગિલે ઝિમ્બાબ્વે સામે સિરીઝમાં સૌથી વધુ 170 રન બનાવ્યા હતાં. ટી20 ઈન્ટરનેશનલથી રિટાયર થઈ ચૂકેલો રોહિત શર્મા પાંચમાં સ્થાનના નુકસાન સાથે 42માં નંબરે છે. ભારતના રિંકુ સિંહને ઝિમ્બાબ્વે સામે વધુ બેટિંગની તક મળી નથી અને જ્યારે મળી તો તે કંઈ ખાસ કરી શક્યો નહીં. રેન્કિંગમાં તેને આઠ સ્થાનનું નુકસાન ઉઠાવવું પડ્યું છે અને તે હવે 49માં સ્થાને છે.
ICC ટી20 બોલિંગ રેન્કિંગ
કુલદીપ યાદવ અને અક્ષર પટેલ બંને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયા નહોતાં અને બોલિંગ રેન્કિંગમાં બંનેને નુકસાન થયું છે. અક્ષર ચોથા સ્થાનેથી ટોપ-10થી બહાર 13માં નંબર પર છે અને કુલદીપ યાદવ ચોથા સ્થાનેથી 16માં નંબરે છે. રવિ બિશ્નોઈ 19માં નંબર પર આવી ગયો છે. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહને પણ લેટેસ્ટ ટી20 રેન્કિંગમાં નુકસાન થયું છે. બંને ક્રમથી 21માં અને 23માં સ્થાને પહોંચી ગયા છે.
વોશિંગ્ટન સુંદરને બોલિંગ રેન્કિંગમાં 36 સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે 46માં નંબર પર આવી ગયો છે. મુકેશ કુમારને પણ ટી20 રેન્કિંગમાં 21 સ્થાનનો બમ્પર ફાયદો મળ્યો છે અને તે હવે 73માં નંબર પર આવી ગયો છે.
ICC ટી20 ઓલરાઉન્ડર્સ રેન્કિંગ
હાર્દિક પંડ્યા ઝિમ્બાબ્વે સામે સિરીઝનો ભાગ નહોતો અને હવે તે ટી20 ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં ટોપ-5થી પણ બહાર થઈ ગયો છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ ખતમ થતાં જ હાર્દિક નંબર-1 ટી20 ઓલરાઉન્ડર બની ગયો હતો પરંતુ પછી વાનિંદુ હસરંગાએ ફરીથી નંબર-1નો તાજ મેળવી લીધો અને હાર્દિક બીજા નંબર પર પહોંચી ગયો. હાર્દિક હવે ચાર સ્થાનના નુકસાન સાથે છઠ્ઠા નંબર પર છે. ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલને પણ રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે 13માં નંબરે પહોંચી ગયો છે. વોશિંગ્ટન સુંદરે બોલિંગની સાથે-સાથે ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં પણ ફાયદો મળ્યો છે અને આઠ સ્થાનના ઉછાળા સાથે તે 41માં નંબર પર આવી ગયો છે. શિવમ દુબેને ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં 35 સ્થાનનો ફાયદો મળ્યો અને તે હવે 43માં નંબર પર છે.