SOG અને જિલ્લા ખેતીવાડી અધિકારીએ સંયુક્ત દરોડો પાડયો : પોલીસે કેમિકલનાં બેરલ, સ્ટીકરો તેમજ 7 મશીનો મળી કુલ રૂ.12.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમરેલી, : અમરેલી જિલ્લામાં નકલી ઘી પડકાયા બાદ હવે નકલી જંતુનાશક દવા બનાવવાની ફેકટરી ઝડપાઈ છે. આ કારખાનામાં નકલી દવા બનાવતા એક શખ્શને ઝડપી લઈ રૂ.૧૨.૮૮લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં બનાવટી ઘી બનાવવાનુ કારખાનુ થોડા દિવસો પહેલા લિલીયાના પીપળવા ગામે થી ઝડપી લીધુું હતું .ત્યારે અમરેલી સાવરકુંડલા બાયપાસ પાસેથી અમરેલી એસઓજી એ બનાવટી જંતુનાશક દવા બનાવાની ફેક્ટરી ઝડપી હતી અને એક આરોપી ને અમરેલી એસઓજી દબોચી લિધો હતો .
વિશેષ વિગતમા તાજેતરમાં વરસાદ આવ્યા બાદ નવી વાવણી થયા બાદ ખેતીવાડીમાં વ્યાપક દવા છંંટકાવ કરવો પડતો હોવાથી ખેડૂતોને આ દવાઓ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઉભી થાય છે ત્યારે ધંધાની વહેતી ગંગામાં નહાઈ લેવા ડૂબકી મારી લાખો કમાઈ લેવાના મલિન ઈરાદા સાથે નકલી દવાવેચવાવાળા અને બનાવવાવાળા સક્રિય બન્યા છે.અમરેલી જિલ્લા એસઓજી પીઆઈ આર.ડી.ચૌધરીને જંતુનાશક દવા બનતી હોવા અંગે માહિતી મળી હતી. જેથી જિલ્લા ખેતીવાડી અધિકારીને સાથે રાખી અમરેલીના સાવરકુંડલા રોડથી રાધેશ્યામ હોટલ તરફ જતા રોડ પર ગેસ ગોડાઉનની સામે આવેલ વાડી ખાતે બિનઅધિકૃત જંતુનાશક દવાઓ બનાવવાની ફેકટરી તથા દવાઓનો સંગ્રહ થયેલ હોવાની બાતમી મળતા તે જગ્યાએ રેઈડ કરતા નકલી જંતુનાશક દવાઓનો જથ્થો ,તેમજ દવા બનાવવા માટેની સાધન સામગ્રી મળી આવી હતી. ફેકટરીના સ્થળેથી અલ્કેશ ભાનુભાઈ ચોડવડીયા રહે. મનસીટી અમરેલીવાળો શખ્સ હાજર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વાડીમાંથી જંતુનાશક દવાની બોટલ નંગ 876 કિ.રૂ.૧ર,૩૯,૪૦૦ તથા પ્લાસ્ટીકની બોટલો ઉપર લગાડવાના સ્ટીકરો અલગ-અલગ કુલ ૭ મશીન કિ.રૂ. 49000 એમ મળી કુલ રૂ. 12.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.