ગાંધીનગર શહેરના સેક્ટર-૨૪માં
નાસ્તો કર્યા બાદ રૃપિયા માંગતા ઉશ્કેરાઈ ગયેલા બંને શખ્સોએ ધોકા વડે પતિ-પત્નીને માર માર્યો
લારી ઉપર ગયેલા બે શખ્સો દ્વારા નાસ્તો કર્યા બાદ રૃપિયા નહીં આપતા વેપારીએ માગણી
કરતા ઉશ્કેરાઈ ગયા હતા અને અહીં ધંધો કરવો છે કે નહીં તેમ કહીને વેપારી અને તેની
પત્ની ઉપર લાકડીઓથી હુમલો કરી દીધો હતો. જેથી ઘાયલ વેપારીને સારવાર માટે ખસેડાયો
હતો. આ મામલે સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં છેલ્લા ઘણા સમયથી અસામાજિક
પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે ગઈકાલે નાસ્તાની લારી ચલાવતા વેપારી ઉપર હુમલાની ઘટના
બહાર આવી છે. જે અંગે સેક્ટર ૨૪ શ્રીનગર સોસાયટીમાં રહેતા ઈશ્વરલાલ દાલચંદલાલ
તેલીએ ફરિયાદ નોંધાવી હતી કે,
ગઈકાલે સાંજના સમયે તે અને તેની પત્ની લારી ઉપર હતા તે દરમિયાન સેક્ટર ૨૪માં
રહેતો જનકસિંહ બટુકસિંહ ઝાલા તથા તેનો મિત્ર અભી આવ્યા હતા અને મનચુરીયન લીધું
હતું ત્યારબાદ તેના રૃપિયા માગતા જનકસિંહે કહ્યું હતું કે, તું મારી પાસે
પૈસા શાના માંગે છે, તારે
અહીંયા ધંધો કરવાનો છે કે નહીં તેમ કહી ગાળાગાળી કરી હતી જેના પગલે આ દંપતિએ ગાળો
બોલવાની ના પાડી હતી અને બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા ત્યારબાદ લાકડીઓ લઈ આવી
ઈશ્વરલાલ ઉપર હુમલો કરી દીધો હતો. જેથી તેમની પત્ની વચ્ચે છોડાવા પડતા તેને પણ માર
માર્યો હતો. આ દરમિયાન બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી
છોડાવ્યા હતા. જોકે આ શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા અને ત્યારબાદ કોઈ ૧૦૮
એમ્બ્યુલન્સને જાણ કરતા ઘાયલ ઈશ્વરલાલને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ
જવામાં આવ્યા હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ
ધરી છે.