– ખર્ચ કોણ ભોગવે તેને લઇને મામલો ટલ્લે ચઢ્યો
– 22 કરોડના ખર્ચે કાંસને બોક્ષ ડ્રેઇન બનાવવાની દરખાસ્ત સરકારમાં કરાઇ પરંતુ કોઇ જવાબ જ ન આવ્યો
આણંદ : આણંદ શહેરમાં ગુરૂદ્વારા સર્કલથી ચિખોદરા ચોકદી સુધી ફોરલેન બનાવવાની કામગીરી હાલ અટવાઇ પડી છે. શહેરની ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે તે જરૂરી હોવાથી ફોરલેન બનાવવાની મંજૂરી પણ મળી ગઇ હતી. જોકે આ માર્ગ પાસેથી પસાર થતી કાંસને બોક્ષ ડ્રેઇન બનાવવું જરૂરી લાગતા ૨૨ કરોડના આ કામની દરખાસ્ત સરકારમા ંકરાઇ હતી. જોકે સરકારે કોઇ નિર્ણય હજુ સુધી નથી લીધો. અવકુડા અને પાલિકાતંત્ર આટલો મોટો ખર્ચ વેઠવા તૈયાર નથી તેવામાં ફોરલેનની આ કામગીરી હાલ ટલ્લે ચઢી ગઇ છે.
આણંદ શહેરની ગણેશ ચોકડી નજીક નિર્માણ પામનાર ફલાયઓવરના પગલે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી ગુરૂદ્વારા સર્કલથી ચિખોદરા ચોકડી સુધીના માર્ગને ફોરલેન બનાવવાનું પૂર્વ કલેક્ટરે મંજૂર કર્યું હતું. જો કે સદર માર્ગ પાસેથી પસાર થતાં કાંસને બોક્ષ ડ્રેઈન બનાવવાની જરૂરીયાત ઉભી થતાં આ રજૂઆત રાજ્યમંત્રીની રૂબરૂ મુલાકાત ટાંણે રાજ્યમંત્રી દ્વારા સરકારમાં દરખાસ્ત કરવા સુચન કરાયું હતું.
જો કે બાદમાં બોક્ષ ડ્રેઈનનો ખર્ચ અવકુડા કે પાલિકાના માથે નખાતા કામ ખોરંભે પડતા અનેક પ્રકારના તર્ક-વિતર્કો સ્થાનિકોમાં ચર્ચાની એરણે ચઢ્યા છે. જ્યારે આ અંગે સાંસદ અને ધારાસભ્ય દ્વારા કરાયેલ રજૂઆત પણ મુંઝવણમાં મુકાયાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
સરકાર આણંદને વિકાસ સુવિધા આપવામાં છ-છ ધારાસભ્ય અને સાંસદ પણ પક્ષના હોવા છતાં વામણી પુરવાર થતાં સ્થાનિક નબળી નેતાગીરી ઉડીને આંખે વળગી રહી છે. શહેરની ગણેશ ચોકડી નજીક નિર્માણ પામનાર ફલાયઓવરના પગલે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને નાના-મોટા વાહનો સરળતાથી આવન-જાવન કરી શકે તે હેતુથી સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ દ્વારા પૂર્વ કલેક્ટરને ગુરૂદ્વારા સર્કલથી તુલસી ગરનાળા થઈ ચિખોદરા ચોકડી ફોરલેનની રજૂઆત કરાઈ હતી. જેને પૂર્વ કલેક્ટર દ્વારા અવકુડા હસ્તે માર્ગ બનાવવાની મંજુરી આપવામાં આવી હતી. જો કે સદર માર્ગ પાસેથી કાંસ પસાર થતો હોવાથી બોક્ષ ડ્રેઈન બનાવવાની જરૂરીયાત ઉભી થઈ હતી. આ સમય દરમ્યાન રાજ્યમંત્રી કુંવરજી બાવળીયાએ સ્થળ મુલાકાત કરતાં કાંસને બોક્ષ ડ્રેઈન બનાવવા તત્પરતા દાખવી દરખાસ્ત મોકલવાની સુચના આપવામાં આવી હતી. જેથી કાંસ વિભાગે રૂા.૨૨ કરોડના ખર્ચની દરખાસ્ત કરતા વિભાગ દ્વારા કન્યાના કેડે ભાર મુકતા હોય તેમ ખર્ચ અવકુડા કે પાલિકા ભોગવે તેવી સુચના કરતાં મંત્રીના બોલ અભી બોલા અભી ફોક સાબિત થયા હોવાની લાગણી જાગૃતોમાં વ્યાપી છે. જેને લઈ ફોરલેન માર્ગ બનવાનું પણ અટવાતા સાંસદ અને ધારાસભ્યની રજૂઆત પણ અવઢવમાં મુકાવા પામી હોવાનું જાણવા મળ્યું છે.