હાથરસકાંડ મુદ્દે નારાયણ હરિનું આઘાતજનક નિવેદન
નાસભાગથી ૧૨૧ના મોતની ઘટનાના ૧૫ દિવસ બાદ પ્રથમ વખત ભોલે બાબા સામે આવ્યા અને નવો વિવાદ છેડયો
લખનઉ: બીજી તારીખે ઉત્તર પ્રદેશના હાથરસમાં ધક્કામુક્કીમાં ૧૨૧ લોકો માર્યા ગયા હતા, આ ઘટના સુરજ પાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં બની હતી. ઘટના બાદ પ્રથમ વખત ભોલે બાબા જાહેરમાં જોવા મળ્યા હતા. જોકે તેણે એક એવુ નિવેદન આપ્યું જેને કારણે તેઓ વિવાદમાં આવી ગયા છે. ભોલે બાબાએ કહ્યું હતું કે થવાનું છે તેને કોણ ટાળી શકે, જે આવ્યું છે તેણે જાવાનું જ છે.
ભોલે બાબાએ જણાવ્યું હતું કે ઘટના કે બાદ મૈં દુખી ઔર ઉદાસ હું, લેકિન હોની કો કૌન ટાલ સરતા હૈ, જો આયા હૈ ઉસે એક દિન તો જાના હી હૈ. બાબાએ કહ્યું હતું કે જે આ ધરતી પર આવ્યું છે તેને જવાનું તો છે જ. સાથે બાબાએ એવો પણ દાવો કર્યો હતો કે અમારા વકીલ ડો. એપી સિંહ અને અન્ય સાક્ષીઓએ મને ઘટના સમયે ઝેરી સ્પ્રે વિશે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટના પાછળ કોઇ કાવતરુ જવાબદાર હોઇ શકે છે. અમને એસઆઇટી અને ન્યાયિક આયોગ પર પુરો વિશ્વાસ છે કે તેઓ સચ્ચાઇ સામે લાવશે.
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે, સાથે જ પોલીસે સત્સંગના આયોજકો સામે ફરિયાદ પણ દાખલ કરી છે. જોકે ફરિયાદમાં ભોલે બાબાનો કોઇ જ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે તેમને આરોપી પણ નથી બનાવવામાં આવ્યા. એવામાં આ સમગ્ર ઘટનાને લઇને ભોલે બાબા દ્વારા આપવામાં આવેલા આ વિવાદિત નિવેદનની પણ સોશિયલ મીડિયા પર ભારે ટિકા જોવા મળી હતી. તેમના વકીલે મીડિયાને જણાવ્યું હતું કે ભોલે બાબા હાલ પોતાના આશ્રમમાં પહોંચી ગયા છે અને તેઓ આશ્રમમાં જ રહેશે.