Rudranath Mahadav Temple Uttarakhand :ભારત દેશ ધર્મ અને આસ્થામાં માનનારો દેશ છે. અને દેશભરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. જેમા કેટલાક મંદિરો સુધી પહોંચવું ખૂબ જ અઘરુ છે. ભગવાન ભોલેનાથની પંચ કેદારની યાત્રા પણ ખૂબ જ કઠિન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, પંચ કેદારની યાત્રા માત્ર એ વ્યક્તિ જ કરી શકે છે, જેના પર ભગવાન શિવજીના આશીર્વાદ હોય છે. કેદારનાથ, મદમહેશ્વર, તુંગનાથ, રુદ્રનાથ અને કલ્પેશ્વર એ પાંચ કેદાર કહેવાય છે. તેનું રહસ્ય અને મહત્ત્વ બંને અદ્ભુત છે. આજે અમે તમને રૂદ્રનાથ મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જણાવીશું.
ખૂબસૂરત ખીણોની વચ્ચે આવેલું છે આ મંદિર
માહિતી પ્રમાણે રૂદ્રનાથ મંદિર સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ છે. ભગવાન શિવનું આ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પર્વતોમાં આવેલું છે. અને આ મંદિર દરિયાની સપાટીથી આશરે 2,290 મીટરની ઉંચાઈ પર છે. મંદિરની આસપાસ બુરાન્સના જંગલો, ઊંડી ખીણો અને મોટુ ઘાસ ઉગેલુ છે. રુદ્રનાથ મંદિર આ ખૂબસૂરત ખીણોની વચ્ચે આવેલું છે, દૂર-દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે.
ભગવાન શિવના મુખની કરવામાં આવે છે પૂજા
રૂદ્રનાથ મંદિરમાં ભગવાન શિવના મુખની પૂજા કરવામાં આવે છે. જ્યારે નેપાળના કાઠમંડુમાં આવેલા પશુપતિનાથ મંદિરમાં ભગવાન શિવના સમગ્ર શરીરની પૂજા કરવામાં આવે છે. રુદ્રનાથ મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી પણ કરવામાં આવે છે. અહીં સવારે 8 કલાકે અને સાંજે 6.30 કલાકે રુદ્રનાથ મહાદેવની આરતી થાય છે.
આ મંદિરની આસપાસ કેટલાક કુંડ પણ છે. જે સૂર્ય કુંડ, તારા કુંડ, માનસ કુંડ અને ચંદ્ર કુંડ તરીકે ઓળખવામાં આવે છે. અહીં દર વર્ષે શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો અહીં બાબાના દર્શન કરવા આવી પહોંચે છે. જો કે, મંદિર સુધી પહોંચવા માટે 19 કિમી ચાલતાં યાત્રા કરવી પડે છે. ઊંડી કોતરો અને ગાઢ જંગલોમાંથી પસાર થવુ પડે છે. જેના કારણે ઘણા લોકો અધવચ્ચે જ યાત્રા છોડી દેતા હોય છે.
રુદ્રનાથ મંદિર સુધી કેવી રીતે પહોંચવું?
રુદ્રનાથ મંદિરની સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે. જે ઋષિકેશથી આશરે 241 કિમી દૂર છે. અહીંથી તમે બસ અથવા ટેક્સી દ્વારા ગોપેશ્વર સુધી જઈ શકો છો. ત્યાથી તમારે લગભગ 19 કિમીની પગપાળા યાત્રા કરવી પડશે. રુદ્રનાથ મંદિરમાં ભગવાન શિવજીના દર્શન કરવા માટે માર્ચથી મે અને ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. અન્ય સમયે ભારે હિમવર્ષા અને કરા પડે છે, જેના કારણે ચઢાણ કરવું શક્ય નથી.