Supreme Court NEET Hearing: UGC-NEET પરીક્ષા સાથે સબંધિત 40થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી દીધી છે. આજે આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવા પર એક શરત પણ રાખી છે. કોર્ટનું કહેવું છે કે, ‘ઠોસ આધાર’ પર એ સાબિત થવું જરૂરી છે કે પેપર લીકના કારણે આ પરીક્ષા પર મોટા પાયે અસર થઈ છે.
CJI ચંદ્રચૂડે કહ્યું કે, માત્ર એટલા માટે કે, 23 લાખમાંથી માત્ર એક લાખને જ પ્રવેશ મળશે એ આધાર પર અમે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવાનો આદેશ ન આપી શકીએ. ફરીવાર પરીક્ષા એ ઠોસ આધાર પર થવી જોઈએ કે, આખી પરીક્ષા જ પ્રભાવિત થઈ છે. અરજદાર તરફથી હાજર રહેલા વકીલ નરેન્દ્ર હુડ્ડાએ CJIને કહ્યું કે, એ સાબિત થવું જોઈએ કે, પેપર લીક એટલું વ્યવસ્થિત હતું અને તેણે આખી પરીક્ષાને પ્રભાવિત કરી છે.
આ સુનાવણી દરમિયાન કોર્ટે હુડ્ડાને દેશમાં મેડિકલ સીટ અંગે પૂછ્યું. તેના પર તેમણે કોર્ટને જણાવ્યું કે, સંખ્યા 1 લાખ 8 હજાર છે. આ સાથે જ તર્ક આપવામાં આવ્યો કે, જો ફરીવાર પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો એવી સ્થિતિમાં 1 લાખ 8 હજાર રીટેસ્ટ હશે. 22 લાખ ક્વોલિફાય નહીં કરી શકશે. તેના પર CJIએ કહ્યું કે, શું થશે જો કોઈ કાયદેસર રીતે 1 લાખ 8 હજારમાં નહીં આવી શકે.
હુડ્ડાએ જવાબ આપ્યો કે, આ તમામ 22 લાખ બીજી વખત એક તક ઈચ્છે છે. CJIનું કહેવું છે કે, અમે માત્ર એટલા માટે બીજી વખત પરીક્ષાનો આદેશ ન આપી શકીએ કારણ કે, તેઓ ફરીવાર પેપર આપવા માગે છે. આવું ત્યારે જ થઈ શકે જ્યારે પરીક્ષાની પવિત્રતા પ્રભાવિત થઈ હોય.
IIT મદ્રાસના ડેટા એનાલિટિક્સનો ઉલ્લેખ
મહત્વની વાત એ છે કે, કેન્દ્ર અને NTA એટલે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવાની માગનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, કથિત રીતે થયેલી કેટલીક અનિયમિતતાઓ સ્થાનિક સ્તર પર થઈ છે અને તેની અસર આખી પરીક્ષા પર નથી પડી. કેન્દ્ર સરકાર તરફથી એક સોગંદનામું પણ દાખલ કરવામાં આવ્યું છે, તેમાં IIT મદ્રાસના ડેટા એનાલિટિક્સનો ઉલ્લેખ છે. તે દર્શાવે છે કે, પરીક્ષામાં મોટા પાયે અનિયમિતતાના સંકેત નથી મળી રહ્યા.