વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં પ્રેક્ટિકલ દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ટીખળ બાદ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતુ.જોત જોતામાં મજાક મશ્કરી જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.જેમાં એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો આમને સામને આવી ગયા હતા.વર્ચસ્વના આ જંગમાં કલાકો સુધી બંને જૂથોએ પોલીટેકનિકને બાનમાં લીધી હતી.આ મારામારીના કારણે એક પોલીસ કર્મી સહિત ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી વિગતો પ્રમાણે પ્રેક્ટિકલ દરમિયાન એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના મેદસ્વીપણના ટાર્ગેટ કરીને કોમેન્ટ કરી હતી અને તેના કારણે ઝઘડો થયો હતો.કોમેન્ટ કરનારના પક્ષે એબીવીપી અને જેના પર કોમેન્ટ કરાઈ હતી તેનો પક્ષ લઈને એનએસયુઆઈના કાર્યકરો પોલીટેકનિક ખાતે દોડી આવ્યા હતા.
બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી.એ પછી ઝઘડો પોલીટેકનિકના પ્રિન્સિપાલની ઓફિસ સુધી પહોંચ્યો હતો.જ્યાં એબીવીપીના કાર્યકરોએ કરેલા હલ્લામાં ડીનની ઓફિસનુ બારણુ પણ તુટી ગયુ હતુ.મારામારીની જાણકારી મળતા પોલીસ કાફલો પોલીટેકનિક ખાતે દોડી આવ્યા હતા.દરવાજાના તુટેલા કાચ વાગતા એક પોલીસ કર્મચારી લોહી લુહાણ થઈ ગયો હતો.
પોલીટેકનિકમાં થયેલી મારામારીમાં ઘાયલ બે વિદ્યાર્થીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં એનએસયુઆઈના શહેર પ્રમુખ અમર વાઘેલા પર એબીવીપીના કાર્યકરો તુટી પડયા હતા.બીજી તરફ એબીવીપીના આગેવાન અક્ષય રબારીને પણ મારામારીમાં આંગળી પર ફ્રેકચર થયુ હતુ.બે જૂથો બાખડતા સયાજી હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ હતી.કુલ મળીને ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.હવે એનએસયુઆઈ અને એબીવીપી એમ બંને પક્ષોએ સામ સામે પોલીસ ફરિયાદ નોધાવવાની તજવીજ હાથ ધરી છે.
ચાર પોલીસ સ્ટેશનની પોલીસ દોડી ગઈ
પોલીટેકનિકમાં મોટા પાયે મારામારી થઈ છે તેવી જાણકારી મળ્યા બાદ ચાર પોલીસ મથકોનો પોલીસ કાફલો પોલીટેકનિક ખાતે દોડી ગયો હતો.એ પછી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.હવે યુનિવર્સિટી સત્તાધીશો આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવશે કે કેમ અને નોંધાવશે તો કોની સામે નોંધાવશે તેના પર અટકળો થઈ રહી છે.
પ્રિન્સિપાલ પર બંગડીઓ ફેંકી, ધક્કામુક્કીમાં શર્ટ ફાટયું
એબીવીપીના કાર્યકરોએ એનએસયુઆઈના કાર્યકરો પર પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માગ સાથે પોલીટેકનિક પ્રિન્સિપાલની ઓફિસમાં ઉત્પાત મચાવ્યો હતો.એબીવીપીના કાર્યકરોએ ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રો.ધનેશ પટેલ પર બંગડીઓ પણ ફેંકતા ચકચાર મચી ગઈ તહી.એબીવીપીએ પ્રિન્સિપાલની સામે દેખાવો પણ કર્યા હતા.એક તબક્કે ધક્કામુક્કીમાં પ્રો.ધનેશ પટેલનુ શર્ટ પણ ફાટી ગયુ હતુ.જ્યારે એબીવીપીના એક આગેવાને પ્રિન્સિપાલની ઓફિસનો દરવાજો જોરથી પછાડતા
યુનિ.ની સિક્યુરિટી શોભાના ગાંઠિયા સમાન
પોલીટેકનિકની મારામારીએ ફરી સાબિત કર્યુ હતુ કે, કરોડોના ખર્ચે રાખવામાં આવેલી સિક્યુરિટી માત્ર યુનિવર્સિટી હેડ ઓફિસની સુરક્ષા માટે અને પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે છે અને જ્યારે મારામારી થાય ત્યારે આ સિક્યુરિટી શોભાના ગાંઠિયા સમાન સાબિત થાય છે.