Online Casino Game : રાજકોટમાં રહેતા રાજ્યના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનો કૌટુંબીક ભાણેજ પ્રિન્સ મનોજભાઇ ઠુમ્મર (ઉ.વ.24, રહે. પેડક રોડ) કેશીનો ગેમમાં રૂા. 1.37 કરોડ હારી ગયો હતો. જેમાંથી રૂા. 71.50 લાખ ચૂકવી દીધા હતા. બાકીના રૂા. 64.50 લાખની વસૂલી માટે ત્રણ આરોપીઓએ તેને અને તેના પિતાને રિવોલ્વર બતાવી ધમકી આપ્યાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે ક્રાઇમ બ્રાંચે ત્રણેય આરોપીઓ ઉત્તમ અશોક વિરડીયા (રહે. પ્રણાલી પાર્ક, શેરી નં.2, 40 ફૂટ રોડ, ઓમ સર્કલ પાસે), સ્મિત કિશોર સખિયા (રહે. ન્યૂ માયાણીનગર, શેરી નં. 2, મવડી મેઇન રોડ) અને રવિ રમેશ વેકરિયા (રહે. સરદારનગર-2, મવડી મેઇન રોડ)ની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.
ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં પ્રિન્સે જણાવ્યું છે કે તેને આર્યનગર શેરી નં. 14 માં ખોડિયાર સિલ્વર નામની દુકાન છે. જ્યાં પિતા સાથે મળી ચાંદી કામ કરે છે. દોઢેક વર્ષ પહેલા અમીન માર્ગ પર આઈફોન એરા નામનો મોબાઈલનો શોરૂમ ધરાવતા ઉત્તમ પાસે મિત્ર નેવિક બાસિડા સાથે મોબાઈલ ફોન લેવા ગયો હતો. ઉત્તમ નૈવિકનો મિત્ર હોવાથી તેની સાથે મિત્રતા થઇ હતી. ત્યાર પછી તેની પાસેથી ત્રણ-ચાર મોબાઇલ લીધા હતા. આઠેક માસ પહેલા આઈફોન લીધો હતો. જેમાં ડિસ્પ્લેનો પ્રોબ્લેમ સર્જાતા ઉત્તમના શોરૂમે ગયો હતો.
બે દિવસ બાદ રિપેર થઇ ગયેલો મોબાઈલ લેવા જતા ઉત્તમે તેને કહ્યું કે તું મોબાઈલ ફોનમાં ગેમ રમ, તેમાં તને રૂપિયા મળશે. આ વાતચીત થયા બાદ ઉત્તમે પોતાના મોબાઈલમાં એક આઈડી હતી તેમાં કેશીનો ગેમ રમવાનું કહ્યું હતું. સાથોસાથ એમ પણ કહ્યું કે તને રૂપિયા મળશે, જશે નહીં. બાદમાં તેણે ઉત્તમે આપેલા આઈડી અને પાસવર્ડની મદદથી પોતાના મોબાઈલમાં આઈડી ખોલી હતી. તે વખતે ઉત્તમે કહ્યું હતું કે હું તને અત્યારે રૂપિયા 5 લાખનું બેલેન્સ નાખી આપું છું, જે હાર-જીત થાય તેનો હિસાબ દર અઠવાડિયે કરશું.
જેથી તેણે પોતાના મોબાઈલમાં કેશીનો ગેમ રમવાનું શરૂ કર્યું હતું. પહેલા અઠવાડિયામાં જ તે રૂ. પાંચ લાખ હારી ગયો હતો. જેથી આ રકમ તેણે કારખાનાના હિસાબમાંથી પિતાની જાણ બહાર ઉત્તમને આપી દીધી હતી. જો કે આ પછી તેણે રમવાની ના પાડતા ઉત્તમે કહ્યું કે હું તને બીજી આઈડી આપુ છું, તેમાં રમજે, જેથી તું જે રૂપિયા હારી ગયો છો તે રિકવર થઇ જશે. પરિણામે વિશ્વાસમાં આવી તેણે ઉત્તમ પાસેથી બીજી આઈડી લઇ લીધી હતી. જેમાં દર અઠવાડિયે હાર-જીતનો હિસાબ કરતો હતો. ચાર-પાંચ માસ દરમિયાન રૂા. 1.37 કરોડની હાર-જીત થઇ હતી. જેમાંથી તેણે રૂા. 71.50 લાખ ઉત્તમને આપી દીધા હતા. તેમાંથી રૂા. 47 લાખ રોકડા હતા. જે કટકે-કટકે આપ્યા હતા. બાકીના રૂા. 23.50 લાખ આંગડિયા મારફત ચૂકવ્યા હતા.
કેશીનો ગેમમાં તે રૂા. 36 લાખ જીતી ગયો હતો જે રકમ તેને ઉત્તમે કટકે-કટકે આપી હતી. આખરે તેને રૂા. 29.50 લાખ ઉત્તમને આપવાના બાકી હતા. તે વખતે તેણે ફરીથી ગેમ રમવાની ના પાડતા ઉત્તમે કહ્યું કે તું રમવાનું ચાલુ રાખ, તું જીતીશ એટલે તારે રૂપિયા આપવા નહીં પડે. આ રીતે તેને ફરીથી વિશ્વાસમાં લીધો હતો.
આ દરમિયાન ઉત્તમે તેને વધુ એક આઈડી આપી હતી જેમાં તે કટકે-કટકે રૂા. 35 લાખ હારી ગયો હતો. તેણે ઉત્તમને અત્યાર સુધીમાં કુલ રૂા. 71.50 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં તેની પાસે રૂા. 64.50 લાખની ઉઘરાણી કરતો હતો. એટલું જ નહીં કડક ઉઘરાણી પણ કરતો હતો. પરંતુ તેણે ઉત્તમને હાલ મારી પાસે રૂપિયા નથી તેમ કહેતા કહ્યું કે વાંધો નહીં, હું રવિ વેકરિયાને લઇને કારખાને આવું છું.
આખરે તેણે આ સઘળી હકીકત તેના પિતાને જણાવી દીધી હતી. પરિણામે તેના પિતાએ ઉત્તમ સાથે વાત કરતાં સ્પષ્ટ કહ્યું હતું કે રૂપિયા તો આપવા જ પડશે. ગઇ તા. ૨૫ જાન્યુઆરીના રોજ રાત્રે ઉત્તમ, રવિને લઇ તેના કારખાને આવ્યો હતો. તે વખતે ઉત્તમે કહ્યું કે પ્રિન્સને હવે મને જે રૂા. 64.50 લાખ આપવાના છે, તે રકમ હવે રવિ અને સ્મિત સખિયાને આપવાની રહેશે. આ વાતનો તેના પિતાએ વિરોધ કર્યો હતો. પરંતુ રવિએ સ્પષ્ટ કહી દીધું કે હવે હવાલો અમે લીધો છે, અમે જેનો હવાલો લઇએ છીએ તેને મૂકતા નથી, તમારે રૂપિયા આપવા જ પડશે, જો રૂપિયા નહીં આપો તો તમારે બજારમાં રહેવું અઘરૂ પડી જશે, તમને ત્રણ દિવસનો સમય આપું છું, અમારી ઓફિસ મોકાજી સર્કલ પાસેના શાશ્વત કોમ્પ્લેક્સના ચોથા માળે છે ત્યાં રૂપિયા લઇ આવી જજો.
આ ઘટનાના બે દિવસ બાદ તે પિતા સાથે રવિની ઓફિસે ગયો હતો. જ્યાં સ્મિત પણ હાજર હતો. જ્યાં તેણે અને તેના પિતાએ હાલ રૂપિયાની સગવડ નથી તેમ કહેતા રવિએ ઉશ્કેરાઇને કહ્યું કે તમે અમને ઓળખતા નથી, અમે જેનો હવાલો લઇએ છીએ, તે રૂપિયા કઢાવીને જ રહીએ છીએ, તમારે પણ રૂપિયા આપવા પડશે. તે વખતે અચાનક સ્મિતે પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર કાઢી તેના માથે મૂકી ધમકી આપી હતી કે જો તમે રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશ, આટલી વાર લાગશે.
જેને કારણે તેઓ ડરી ગયા હતા. તેના પિતાએ ચાર દિવસનો સમય આપવા આજીજી કરી હતી. બાદમાં ત્યાંથી નીકળી ગયા હતા. આખરે તેના પિતાએ સમાજના રાજકીય આગેવાનોને વાત કરતાં તેમણે હિંમત આપતા રાજકોટ તાલુકા પોલીસમાં અરજી આપી હતી. જેના આધારે ગઇકાલે ક્રાઇમ બ્રાંચે આરોપીઓ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આરોપી રવિ અગાઉ મનપાની ચૂંટણી લડી ચૂક્યો છે
આરોપી રવિ વેકરિયા અગાઉ વોર્ડ નં. 13માં મનપાની ચૂંટણી કોંગ્રેસ તરફથી લડયો હતો. જો કે તે ચૂંટણી હારી ગયો હતો. હવે કહે છે કે તે હાલ ભાજપમાં જોડાઇ ગયો છે.