– કપડવંજ- મોડાસા રોડ ઉપર પાંજરાપોળ પાસે
– ટ્રક ચાલકે ગફલતભરી રીતે ઓવરટેક કરવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
કપડવંજ : કપડવંજ- મોડાસા રોડ ઉપર પાંજરાપોળ પાસે પુરઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકનું ટાયર બાયડના પ્રતાપપુરાના યુવાનના માથે ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
કપડવંજ- મોડાસા રોડ ઉપર પાંજરાપોળ પાસે મુખ્ય હાઈવે રોડ આવેલો છે. જ્યાં બાયડથી ડાકોર ચોકડી તરફ ટ્રક ચાલક પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈકને ઓવરટેક કરવા જતો હતો. ત્યારે ચાલકે ટ્રકની ટક્કર મારતા બાઈક રોડ ઉપર પટકાયું હતું. દરમિયાન બાઈક ચાલક વિક્રમભાઈ પ્રતાપસિંહ ઝાલા (ઉં.વ.૨૫)ના માથા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં ગંભીર ઈજાઓના લીધે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાયડ તાલુકાના પ્રતાપપુરામાં રહેતા વિક્રમભાઈ આઠ મહિના અગાઉ બેલ સ્ટાર માઈક્રો ફાઈનાન્સમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી કરતા હતા. જેમનું અકસ્માતમાં મોત થતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.