ગાંધીનગર નજીક પીરોજપુર ગામની શ્રી સરકાર થયેલી
જમીનનું ટાઇટલ ક્લિયર જોયા વગર જ દસ્તાવેજ કરી દેતા મદદનીશ નોંધણી નિરીક્ષક દ્વારા ફરિયાદ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પીરોજપુર ગામની શ્રી સરકાર થયેલી
સરકારી જમીનનો ગત એપ્રિલ મહિનામાં દસ્તાવેજ થઈ ગયો હતો. જે મામલે તપાસના અંતે આ
દસ્તાવેજ રજીસ્ટર કરનાર સબ રજીસ્ટ્રાર સામે ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો
દાખલ કરવામાં આવ્યો છે. સર્વે નંબરની કુલ જમીનમાંથી અડધી જમીનનો દસ્તાવેજ કરી
દેવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં હાલ જમીનોના ભાવ આસમાને આંબી રહ્યા છે
ત્યારે અહીં આખે આખા ગામના વેચાણ દસ્તાવેજ થઈ જવાના પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
આ સ્થિતિમાં ગાંધીનગર શહેર નજીક આવેલા પીરોજપુર ગામમાં સરકારી એવી શ્રી સરકાર
થયેલી જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ ગયો હતો અને સબ રજીસ્ટ્રાર દ્વારા આ દસ્તાવેજ
મંજૂર પણ કરી દેવામાં આવ્યો હતો ત્યારે તપાસના અંતે આ મામલે કાર્યવાહી કરવામાં આવી
છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હાર્દિક નગીનભાઈ પટેલે ફરિયાદ
નોંધાવી હતી કે, ગાંધીનગર
જિલ્લામાં આવતી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓનું તેમણે સુપર-વિઝન કરવાનું હોય છે
ત્યારે ગાંધીનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન ૩માં સબ રજીસ્ટ્રાર તરીકે
વિષ્ણુભાઈ હરગોવનભાઈ દેસાઈ ફરજ બજાવતા હતા. વિષ્ણુભાઈએ ૧૬ એપ્રિલના રોજ ફિરોજપુર
ગામની સરવે નંબર ૧૭૯ના કુલ ક્ષેત્રફળમાંથી ૫૦ ટકા એટલે કે ૨,૭૩૫ ચોરસ મીટર
જમીનનો વેચાણ દસ્તાવેજ મંજૂર કર્યો હતો. આ જમીન ગામના રેકોર્ડમાં શ્રી સરકાર હોવા
છતાં તેના ટાઈટલની ચકાસણી કર્યા વગર જ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. નોંધણી
થયેલી જમીનની બજાર કિંમત જંત્રી મુજબ ૫૯.૬૭ લાખ જેટલી થવા જાય છે ત્યારે આ મામલે
હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા વિશ્વાસઘાત,
છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.