– 125 મણ જેટલી નિયાઝ પીરસવામાં આવી
– વિશ્વના બીજા નંબરના સૌથી વજનદાર ખંભાતના બેનમુન તાજિયા ઉઘાડા પગે ખભે ઉંચકી જુલુસ કઢાય છે
આણંદ : નવાબી નગર ખંભાતમાં કોમી એક્તાના પ્રતિકસમા ઐતિહાસિક તાજીયાનું ભવ્ય ઝુલુસમાં જનશૈલાબ ઉમટયો હતો. યા હુસેન… યા હુસેન…ના નારા ગુંજી ઉઠયા હતા. ખંભાતમાં મહોરમ પર્વ નિમિત્તે જહાંગીરપુર, સાલવા, કડીવાલ, પીરજપુર, ત્રણ લીમડી, અકબરપુર, શક્કરપુર સહિત વિવિધ મુસ્લીમ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં સુંદર કલાત્મક તાજીયા તૈયાર કરવામાં આવ્યા હતા. ઈ.સ.૧૭૯૩માં નિર્માણ પામેલ સુખડના બેનમુન તાજીયા દર્શન અર્થે દરબારગઢમાં મુકવામાં આવ્યા હતા. મોડી રાત સુધી શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. ચાલુ વર્ષે લાલદરવાજા ચોકી પાસે જ તાજીયા ઠંડા કરી દેવાયા હતા.
સુખડના બેનમુન તાજીયા જરી મુબારક ઐતિહાસિક વારસો ધરાવે છે. આ તાજીયાનું વજન ૧૧ ટન જણાવાય છે. વિશ્વના બીજા નંબરના સૌથી વજનદાર ખંભાતના બેનમુન તાજીયાને મુસ્લીમ બિરાદરો ઉઘાડા પગે પોતાના ખભે ઉચકી દરબારગઢથી નારેશ્વર તળાવ સુધી પહોંચાડે છે.
તાજીયા ઝુલુસ દરમ્યાન દર વર્ષે હુસેની કમિટિ દ્વારા ૧૨૫ મણ જેટલી નિયાઝ પીરસવામાં આવે છે. આ પ્રસાદીનો હિન્દુ-મુસ્લીમ સમુદાયના હજ્જારો શ્રધ્ધાળુઓ લાભ લે છે અને એક જ થાળીમાં તેઓ પ્રસાદી લઈ કોમી એકતાના દર્શન કરાવે છે.