ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
પૂર ઝડપે જતા ફોર્ચ્યુનર કારના ચાલકે રીક્ષાને અડફેટે લીધી અને ફરાર થઈ ગયો : પોલીસ દ્વારા શોધખોળ
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના
ખ-માર્ગ ઉપર આજે સવારના સમયે વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વાવોલમાં રહેતા
રીક્ષાચાલકનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે સેક્ટર ૭ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર
થઈ ગયેલા ફોર્ચ્યુનર કારના ચાલકની શોધખોળ શરૃ કરી હતી.
પાટનગર ગાંધીનગર શહેરના પહોળા માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ
વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે. અકસ્માત
સર્જીને ફરાર થઈ જતા આવા વાહનો પકડાતા નથી ત્યારે શહેરના ખ માર્ગ ઉપર વધુ એક હિટ
એન્ડ રનની ઘટના બનવા પામી છે. જેમાં વાવોલ ગામમાં રહેતા રીક્ષા ચાલકનું મોત થયું
હતું. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વાવોલ ગામમાં રહેતો
યુવાન નટવરભાઈ ખોડાભાઈ રાવળ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત કરતો હતો. આજે સવારના
સમયે તે તેની રીક્ષા લઈને ખ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને ખ માર્ગ ઉપર હરીનગર
ત્રણ રસ્તા પાસે તે વાવોલ તરફ વળવા જઈ રહ્યો હતો. આ દરમિયાન જ પાછળથી ઝડપે આવી
રહેલી ફોરચુનર કારે નટવરની રીક્ષાને હડફેટે લીધી હતી અને તેના કારણે તે રોડ ઉપર
ફંગોળાયો હતો અને શરીરે ગંભીર ઈજાઓને કારણે તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું.
અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ
કરતા તે સ્થળ ઉપર પહોંચી હતી પરંતુ તબીબે નટવરને મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ
અકસ્માત સર્જીને ફોર્ચ્યુનર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જે ઘટનાને પગલે લોકોમાં
પણ રોષ જોવા મળ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં મૃતકના ભાઈ ભરત રાવળ દ્વારા સેક્ટર ૭
પોલીસ મથકમાં ફરાર થઈ ગયેલા કારના ચાલક સામે ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ
કરીને તેની શોધખોળ શરૃ કરી છે.