રાજ્યમાં 21 બાળકોના મોતના પગલે આરોગ્ય તંત્રને તકેદારી માટે તાકીદ : અરવલ્લી પંથકમાંથી પડધરી તા.રહેતા તથા જેતપુર, મોરબીથી રાજકોટ આવેલા 5 બાળકોના અને સુરેન્દ્રનગરના એક બાળકના મોતથી દોડધામ : મૃત્યુ પામેલ બાળકોમાં વાયરલ મેનેનજાઈટીસનું અનુમાન ચાંદીપુરામાં બાળકને સખત તાવ, આંચકી, ઝાડા, ઉલ્ટી બેભાન થવું વગેરે લક્ષણો જોવા મળતા હોય છે
રાજકોટ, : ગુજરાતમાં બાળકો ઉપર આ વર્ષે કોલેરાનો રોગ તો પ્રસર્યો જ છે અને અનેકના મોત નીપજ્યા છે અને હવે ચાંદીપુરા વાયરસનો તરખાટ મચ્યો છે. સરકારી ચોપડે તો હજુ એક જ પોઝીટીવ કેસ છે પરંતુ, રાજ્યમાં ૨૧ બાળકોના મોત નીપજ્યા છે. આજે વિવિધ વિસ્તારોથી રાજકોટ સિવિલમાં દાખલ પાંચ બાળકોના મોતમાં પણ ચાંદીપુરા વાયરસ જવાબદાર હોવાની શંકાના આધારે સેમ્પલીંગ કરવામાં આવ્યું છે. બાળકોના શંકાસ્પદ મોતનો સિલસિલો શરૂ થતા અને હાલનું ભેજયુક્ત હવામાન આવા વાયરસને પ્રસરવા અનુકૂળ હોય આજે રાજ્ય સરકારે રાજકોટ સહિત રાજ્યના જિલ્લા આરોગ્ય અધિકારી,સિવિલના તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તકેદારીના પગલા લેવા તાકીદ કર્યાનું જણાવાયું છે.
રાજકોટમાં પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર, મોરબી, પડધરી પંથકમાંથી દાખલ થયેલા પાંચ બાળકના મોત નીપજ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્ર અનુસાર આ પૈકી એક બાળક કે જેનું મોત નીપજ્યું છે તે આવા કેસ નોંધાયા છે તે અરવલ્લી પંથકમાંથી આવેલ શ્રમજીવીનું બાળક હતું અને પડધરી પંથકમાં તે થોડા દિવસથી રહેતા હતા. મૃત્યુ પામનાર બાળકો ૬ માસથી ૧૩ વર્ષની ઉંમરના છે. એક બાળક હોસ્પિટલમાં દાખલ થઈને જાતે જ છૂટા થઈ ગયા હતા પરંતુ, સંબંધીઓનો સંપર્ક સાધતા આ બાળકનું મોત નીપજ્યાનું ખુલયું હતું. આ બાળકોને તાવ,આંચકી સહિતના વિવિધ લક્ષણો હતા અને પ્રાથમિક રીતે વાયરલ મેનેનજાઈટીસ (મગજનો તાવ)નું નિદાન ડોક્ટરો દ્વારા કરાયાનું જાણવા મળે છે. હવે તેના લોહી વગેરેના નમુના લઈને ચાંદીપુરા વાયરસ છે કે કેમ તે કન્ફર્મ કરવા સેમ્પલ પૂના લેબોરેટરી ખાતે મોકલાયાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંઘે જણાવ્યું હતું.
સુરેન્દ્રનગરથી અહેવાલ મૂજબ પાટડીના ખારાઘોડા ગામે રહેતી પાંચ વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ હતી જ્યાં તેનું મોત નીપજ્યું છે. તેના સેમ્પલ પણ પૂના મોકલાયા છે. જામનગરથી અહેવાલ મૂજબ ધ્રોલ અને જામજોધપુર બે બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયાનુ જણાતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ બન્ને કેસો હજુ કન્ફર્મ થયા નથી પણ સંક્રમીત કેસ ગણીને સારવાર અપાઈ રહી છે.
ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો હોય તેમાં બાળકને (1) સખત તાવ આવવો (2) ઝાડા (3) ઉલ્ટી થવી (4) આંચકી કે ખેંચ આવવી અને (5) બેભાન કે અર્ધબેભાન જેવી સ્થિતિ થવી તે મુખ્ય લક્ષણો હોય છે. તબીબી સૂત્રો અનુસાર આ લક્ષણો મગજના તાવને મળતા આવતા હોય છે. જો કે ચાંદીપુરા વાયરસનું ટેસ્ટીંગ ગુજરાતમાં થતું ન હોય છેક પૂના મોકલવું પડે છે અને દિવસો બાદ તેના રિપોર્ટ આવે છે.