વડોદરા,ડભોઇ રોડ મહાનગર સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષના પ્રૌઢને બ્રેન સ્ટ્રોક આવતા તેઓ ઘરમાં જ પડી જતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેઓનું બ્રેન ડેડ થઇ જતા તેમના કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું.
શહેરના ડભોઇ રોડ મહાનગર સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષના કૌશિકભાઇ મનુભાઇ પટેલને વર્ષ – ૨૦૧૬ માં આંખની તકલીફ થતા દેખાતું બંધ થઇ ગયું હતું. ગત સપ્તાહે તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓ ઘરમાં જ પડી ગયા હતા. માથામાં ઇજા થતા તેઓને ગત તા.૧૪ મી દાંડિયાબજારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે તેઓનો જીવ બચાવવા કોશિશ કરી હતી. પરંતુ, બ્રેન હેમરેજ થવાથી દર્દી બ્રેન ડેડ થઇ ગયા હતા. ડોક્ટર દ્વારા તેમના પરિવારને અંગદાન માટે સમજ આપવામાં આવી હતી. પરિવારજનો અંગદાન માટે તૈયાર થતા રેલવે હોસ્પિટલના ડો.દિપાલી તિવારી દ્વારા તમામ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દર્દીની બે કિડની અને લિવર ડોનેટ કરવામાં આવ્યા હતા. જેના કારણે ત્રણ વ્યક્તિઓના જીવનમાં નવો ઉજાસ ફેલાશે.