– ચાતુર્માસનો પ્રારંભ થતા મંગળકાર્યો પર નિષેધ
– દિવસભર દર્શનાર્થીઓનો ધસારો રહ્યો : સાંજે સવારીમાં આરૂઢ થઈ ઠાકોરજી લક્ષ્મીજી મંદિરે માતાજીને મળવા ગયા
ડાકોર : દેવશયની એકાદશીએ ડાકોરમાં ઠાકોરજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. ત્યારે સવારે મંગળા આરતીમાં મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. સાંજે સવારીમાં આરૂઢ થઈને ઠાકોરજી લક્ષ્મીજી મંદિરે માતાજીને મળવા ગયા હતા. આજથી ચાતુર્માસનો પ્રારંભ પણ થયો હોવાથી ચાર મહિના સુધી વાસ્તુ, લગ્ન, જનોઈ આદી માંગલિક કાર્યો બંધ રહેશે.
ડાકોરમાં આજે સવારે અગિયારસ ભરવા આવનારા ઉમરેઠ, ઠાસરા, સેવાલીયા, આણંદ, નડિયાદ, અમદાવાદ, બરોડાના નેમધારીઓ ૬ વાગ્યાથી ડાકોરના ઠાકોરની મંગળા આરતી કરવા આવ્યા હતા. મંગળા આરતી સમયે મંદિર પરિસરમાં ખીચોખીચ ભીડ જોવા મળી હતી. મંદિર બહાર પણ ટ્રાફિક થઈ ગયો હતો. ઠાકોરજીના દર્શને આવેલા ભક્તો આડેધડ વાહનો મૂકી દર્શન કરવા દોડી ગયા હતા. ટ્રાફિક પોલીસની કામગીરી પણ નહિવત દેખાઈ હતી. ઠેરઠેર ટાવર ચોક વિસ્તારમાં બાઇકો, ગાડીઓ, રિક્ષાઓ સહિતના વાહનો આડેધડ મૂકી દેવામાં આવ્યા હોવાથી રાહદારીઓને પણ અવરજવરમાં મુશ્કેલીઓ પડી હતી. સવારે ઠાકોરજીને તિલક કરીને કંસાર ભોગ ધરાવવામાં આવ્યો હતો. આજે દેવશયની એકાદશી હોવાથી સાંજે સવારીમાં આરૂઢ થઈને ઠાકોરજી લક્ષ્મીજી મંદિરે માતાજી સાથે મુલાકાત કરવા ગયા હતા.