– શ્રમજીવી દંપતીની પુત્રી સ્કુલમાં મોહરમની રજા હોય બપોરે સોસાયટીમાં આવેલા ટ્યુશનથી ઘરે પરત ફરતી હતી ત્યારે વિમલના બહાને બોલાવી
સુરત, : સુરતના ડીંડોલી સી.આર.પાટીલ રોડ વિસ્તારની એક સોસાયટીમાં રહેતા 34 વર્ષના અપરણિત યુવાને સોસાયટીની જ ધો.4 માં ભણતી દસ વર્ષની બાળકીને વિમલ મંગાવવાના બહાને ઘરે બોલાવી ફોનમાં ગંદો વિડીયો બતાવી છેડતી કરી બાદમાં બાળકીનો હાથ પકડી કોઈને કહેશે તો માર મારવાની ધમકી પણ આપતા ડીંડોલી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી સી.આર.પાટીલ રોડ વિસ્તારની એક સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી દંપતીના બે બાળકો પૈકી મોટી પુત્રી હેત્વી ( ઉ.વ.10, નામ બદલ્યું છે ) ધો.4 માં અભ્યાસ કરે છે અને સાંજે સ્કુલેથી છૂટીને સોસાયટીમાં જ ટ્યુશન ક્લાસમાં જાય છે.ગતરોજ સ્કુલમાં મોહરમની રજા હોય હેત્વી બપોરે પોણા બાર વાગ્યે ટ્યુશનથી ઘરે પરત ફરતી હતી ત્યારે તેમના ઘરની શેરીના નાકેના મકાનમાં પહેલા માળે રહેતા એક યુવાને તેને ઉપર બોલાવી પૈસા આપી વિમલ લાવવા કહ્યું હતું.હેત્વી વિમલ લઈને તે યુવાનને આપવા ગઈ ત્યારે તેણે હેત્વીને બાજુમાં બેસાડી પોતાના મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો બતાવ્યો હતો.આથી હેત્વી ત્યાંથી ભાગતા યુવાને તેનો હાથ પકડી ધમકી આપી હતી કે જો તું કોઈને કહેશે તો મારીશ.હેત્વી હાથ છોડાવીને ત્યાંથી ભાગી ગઈ હતી.
જોકે, ઘરે ગભરાયેલી હાલતમાં પહોંચેલી હેત્વીને જોઈ તેની માતાએ પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી.આથી તેની માતા સાસુ સાથે તે યુવાનને શોધવા હેત્વીને લઈ સોસાયટીના નાકે એક મકાનમાં પહોંચ્યા હતા.તે મકાનમાં ઉપરના માળે મજુરીકામકરતો 34 વર્ષીય અપરણિત જગદીશ નથુભાઇ પાતુરકર ( મૂળ રહે.તાસખેડા, તા.અમલનેર, જી.જલગાંવ ) રહેતો હોય તેને દરવાજો ખોલવા કહ્યું હતું.જોકે, તેણે દરવાજો ખોલ્યો નહોતો.થોડીવારમાં જગદીશના પરિજનો આવતા તેમણે દરવાજો ખોલાવ્યો હતો.હેત્વીની માતાએ જગદીશને કેમ આવું કર્યું પૂછ્યું તો તેણે ગોળગોળ જવાબ આપી ઝઘડો કરતા કોઈકે પોલીસને જાણ કરી હતી.સ્થળ પર પહોંચેલી ડીંડોલી પોલીસે હેત્વીની માતાની ફરિયાદના આધારે જગદીશ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.