માત્ર સ્વાસ્થ્યપ્રદ ખોરાક જ વેંચી શકાશે
કૉલેજોને આ પૂર્વે 2016 અને 2018માં પણ સૂચના અપાઈ હતી, હવે કડક ચેતવણી
મુંબઇ : દેશભરની કૉલેજોની કેન્ટીનોમાં સમોસા, કચોરી, નૂડલ્સ, બ્રેડ પકોડા જેવા ખાદ્યપદાર્થો હવે મળશે નહીં. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને તાજેતરમાં જ યુનિવર્સિટી અને કૉલેજોની કેન્ટીનમાં પીરસાતાં ખાદ્યપદાર્થો બાબતે નોટીસ બહાર પાડી છે. તેમાં અમુક તળેલા નાસ્તા પર પ્રતિબંધ મૂક્યો છે.
યુજીસીએ કાઢેલાં પરિપત્રક દ્વારા આરોગ્યને માટે જોખમી એવા ખાદ્યપદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી છે. કૉલેજોની કેન્ટીનોમાં ફક્ત પોષણયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક જ પીરસી શકાશે. આથી કૉલેજોની કેન્ટીનોએ પોતાનું મેન્યુ બદલવું પડશે અને તેની સમયાંતરે તપાસ માટે અલગ કમિટી પણ બનાવવી પડશે.
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આ પહેલાં પણ ૧૦ નવેમ્બર ૨૦૧૬ અને ૨૧ ઑગસ્ટ ૨૦૧૮ના રોજ આ બાબતે સલાહ અપાઈ હતી. પરંતુ તેનો ખાસ કંઈ અમલ થયો નથી. હવે અપાયેલી સૂચનાને શિક્ષણ સંસ્થાઓએ છેલ્લો ચેતવણી માનવા જણાવાયું છે.