– રોગચાળો ફાટી નીકળવાની દહેશત
– રહીશો અને દુકાનદારો ગંદકીમાં સબડી રહ્યા છે છતાંય પાલિકાતંત્ર ઉદાસિન
નડિયાદ શહેરમાં કેટલાક વિસ્તારોને બાદ કરી દઈએ તો અનેક એવા વિસ્તારો છે, જ્યાં વિકાસ તરફ પ્રશાસન કે સત્તાધીશોએ ક્યારેય ધ્યાન આપ્યુ જ નથી. આવો જ એક વિસ્તાર વૈશાલી ગરનાળા પાસે જોવા મળી રહ્યો છે. જ્યાં ગરનાળાની પૂર્વ દિશામાં જમણી બાજુ રવિવારીમાં ફનચર, ઘર વપરાશની સામગ્રી સહિતનો માલ-સામાન વેચતા ૨૦થી વધુ પરીવાર રહે છે. એટલુ જ નહીં, અહીંયા ગરનાળાની બાજુમાં જ જૂનુ અને જર્જરીત કોમ્પલેક્ષ આવેલુ છે. આ કોમ્પલેક્ષની નીચે ખુલ્લી જગ્યામાં વરસાદી પાણી ભરાયેલુ રહે છે. જે અત્યંદ ગંદુ પાણી છે અને તેમાં અસહ્ય ગંદકી છે. એટલુ જ નહીં, ગટરનું પાણી જાણે તેમાં મિક્સ થયેલુ હોય તેમ પાણી એકદમ કાળુ પડી ગયેલુ દેખાય છે. તેમજ આ ગંદકીયુક્ત પાણીમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ દુર્ગંધ વેઠી આસપાસ રહેતા લોકો વસવાટ કરવા મજબૂર બન્યા છે. તો કોમ્પલેક્ષમાં ઉપર કેટલીક દુકાનો પણ ચાલુ છે. જેના વેપારીઓ પણ ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે. અહીંયા મચ્છરજન્ય રોગચાળા ઉપરાંત ગંદકીના લીધે અન્ય માંદગી વેઠવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે નગરપાલિકા પ્રશાસન દ્વારા અહીંયા યોગ્ય સફાઈ કરાય અને કાયમી ધોરણે ગંદકીયુક્ત પાણી ભરાઈ ન રહે તે દિશામાં કામગીરી કરાય તે જરૂરી બન્યુ છે.