Navsari Fraud Case : નવસારીમાં મેડિકલ સેવાનું કામ કરતી અખંડ ભારત અખંડ હેલ્થ નામની સંસ્થામાં ચાર શખ્સોએ એકબીજાના મેળાપણામાં રૂ.2.20 કરોડ ડોનેશન આપવાનું પાણીચું આપી સંસ્થાના રૂ.1 કરોડ આંગડિયા પેઢીમાં જમાં કરાવડાવી છેતરપિંડી કરતા ચકચાર મચી છે. બનાવ અંગે ટાઉન પોલીસમાં ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારી ફુવારા ખાતે આવેલ ફાઉન્ટન પ્લાઝા ખાતે આવેલી અખંડ ભારત અખંડ હેલ્થકેર નામની સંસ્થા આવેલી છે.આ સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ સિનિયર સિતિઝનોને મેડિકલ પ્રિસ્ક્રીપસન આધારે વિના મૂલ્યે ઘર બેઠા પોસ્ટ મારફત દવા વિતરણ કરે છે.આ સંસ્થાના પ્રમુખ તરીકે મિલિંદ નિલેશકુમાર ઘાએલ (રહે,ગોવિંદ પાર્ક, સિન્ધીકેમ્પ,નવસારી ) સેવા આપી રહ્યા છે. અખંડ ભારત અખંડ હેલ્થકેર નામની આ સંસ્થામાં અનંતભાઇ પટેલ નામનો વ્યક્તિ આવી પંદર દિવસ અગાઉ પોતાના ઓળખીતા આકાશ ઉર્ફે મોહમદ સબિર હલાહી નામના શખ્સે રૂ.2.20 કરોડ ડોનેશન આપવાની વાત કરી પરિચય કેળવ્યો હતો. અને આ ડોનેશન મેળવવા માટે પેહલા તમારે રૂ.1 કરોડ નવસારીમાં સતાપીર ખાતે આવેલ વિજયકુમાર વિક્રમભાઈ નામની આંગડિયા પેઢીમાં જઈ તેમને મોકલાવેલ સીરિયલ નંબરની નોટનો એક ભાગ બતાવી પોતાના માણસો ભાવેશ અને દીપ ત્યાં આવ્યા બાદ તેમની હાજરીમાં રૂપિયા એક કરોડ જમા કરાવવા માટે જણાવ્યું હતું. આથી પ્રમુખ મિલિંદ ઘાએલ ભેજાબાજ આકાશમાં બે માણસોને લઇ સતાપીર ખાતે આવેલી આંગડિયા પેઢીમાં જઈ રૂપિયા જમાં કરાવ્યા હતા.
ત્યારબાદ આકાશે મોકલાવેલ ભાવેશ અને દીપ નામના બે શખ્શો સોચક્રિયાના બહાને થોડીવારમાં જઈએ છીએ કહી ગયા બાદ સીરિયલ નંબર વાળી નોટ લીધા વિના જ ભાગી ગયા હતા અને ઘણા સમય વિતી જવા છતાં પરત નહિ આવતા મિલિંદ ઘાએલને શંકા જતા આંગડિયા પેઢીમાં થી રૂપિયા પરત આઆપી દેવા માંગણી કરતા તેમના શેઠ સાથે વાત કરવા જણાવી તેમના રૂપિયા મહેન્દ્ર અંબાલાલ આંગડિયા પેઢીમાં ઇન્દોર ખાતે પોહચી ગયા હોવાનું જણાવી અને આ રૂપિયા આબિદ કાચવાલા નામનો શખ્સ આ રૂપિયા ઉપાડી લીધેલ હોવાનું જણાવ્યું હતું. સંસ્થાના રૂપિયા પરત મેળવવા માટે મિલિંદ ઘાએલએ આકાશનો સમર્ક કરતા તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હોય છેતરપિંડી થયાનું જણાયું હતું. આ બનાવ અંગે ટાઉન પોલીસમાં મિલિંદ ઘાએલએ આકાશ ઉર્ફે મોહમદ સબીર હલાહી, દીપ, ભાવેશ અને આબીદ કાચવાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીઆઈ કે.એચ.ચોધરી તપાસ કરી રહ્યા છે.