મોટા ઝીંઝાવદર તરફથી જઈ રહ્યો હતો ત્યારે પોલીસે પકડી પાડયો
બોટાદના શખ્સે સુદામડા બાજુથી જથ્થો અપાવ્યાની કબૂલાત, દારૂ-બિયર, કાર, મોબાઈલ સહિત્નો મુદ્દામાલ જપ્ત કરાયો
ભાવનગર: ગઢડા તાલુકાના નિંગાળા ગામ પાસેથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે મોટા ઝીંઝાવદર ગામના એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે બોટાદના શખ્સનું નામ ખુલતા તેની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા તાલુકાના નિંગાળા ગામથી મોટા ઝીંઝાવદર તરફ એક કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે ગઢડા પોલીસે મધરાત્રિના સમયે નિંગાળા ગામે મોટા ઝીંઝાવદરના રસ્તે રેલવે ફાટક પાસે વોચ ગોઠવી કાર નં.જીજે.૩૩.એફ.૯૩૯૩ને રોકી તપાસ કરતા કારની અંદરથી દારૂની ૪૮ બોટલ, બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે કાર, દારૂ-બિયર અને એક મોબાઈલ ફોન સાથે સંજય નરશીભાઈ બામરોલિયા (રહે, રામજી મંદિર પાસે, મોટા ઝીંઝાવદર, તા.બોટાદ)ની ધરપકડ કરી પૂછતાછ કરતા આ દારૂ-બિયરનો જથ્થો આશીષ જયુભાઈ આહીર (રહે, હાલ બોટાદ, મુળ રાજકોટ) નામના શખ્સે સાથે આવી સુદામડા બાજુથી કોઈની પાસેથી અપાવ્યો હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને શખ્સ સામે પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.