વતનની ઓળખ આપી આશરો લીધો ને, સગીરાનું અપહરણ કરી ગયો
ધોરણ સાતમાં ભણતી કિશોરી પ્રેમજાળમાં ફસાવીને પરણીત આરોપીએ દુષ્કર્મ આચર્યું
ભુજ: ભુજ તાલુકાના ગામેથી સગીરા કન્યાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે અંતિમ શ્વાસ ચાલે ત્યાં સુધી સખત કેદની સાજા સાથે પાંચ લાખનો દંડ ફટકાર્યો છે.
પધ્ધર પોલીસ મથકે ભોગબનારની માતાએ ભાવેશ બાબુભાઇ ખાંટ રહે કરણપુર અરવલ્લી સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ ગત ૩ એપ્રિલના બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન બન્યો હતો. આરોપી કચ્છમાં કામ અર્થે તેની પત્ની સાથે આવ્યો હતો. ભાડેથી મકાન ન મળે ત્યાં સુધી વતનના સબંધે ફરિયાદીના ઘરે આશરો લીધો હતો. દરમિયાન આરોપીની પત્ની પરત વતન ચાલી ગઇ હતી. અને આરોપી એકલો ફરિયાદીના ઘરે રોકાયો દરમિયાન બનાવના દિવસે ફરિયાદી મહિલા અને તેમના પતિ કામ પરથી પરત ઘરે આવ્યા ત્યારે આરોપી ફરિયાદીની ૧૨ વર્ષની ધોરણ સાતમાં અભ્યાસ કરતી દિકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરી જઇ ફરિયાદીની દિકરી સાથે શરીર સબંધ બાંધ્યો હતો. પધ્ધર પોલીસે આરોપી ભાવેશ સામે પોક્સો સહિતની કલમ તળે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ગુરૂવારે ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે ૧૭ દસ્તાવેજી પુરાવાઓ અને નવ સાક્ષીઓને તપાસી આરોપીને આઇપીસી ૩૬૩માં ત્રણ વર્ષની સજા અને દસ હજારનો દંડ આઇપીસી ૩૬૬માં દસ વર્ષની સજા અને એક લાખનો દંડ, અને ૩૭૬ના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ બે લાખનો દંડ, પોક્સો એક્ટ ૪ મુજબ અંતિમ શ્વાસ સુધીની કેદ અને બે લાખનો દંડ ફટકાર્યો હતો. પાંચ લાખના દંડમાંથી ચાર લાખની રકમ ભોગબનારને વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ એચ.બી.જાડેજા હાજર રહી દલીલો કરી હતી.