Karnataka Private Jobs Bill Controversy : કર્ણાટક સરકારે પ્રાઇવેટ કંપનીઓમાં સ્થાનિક લોકોને અનામત આપવાના નિર્ણય કર્યા બાદ ભારે વિરોધ થયો છે, જેના કારણે સરકારે નિર્ણય પરત ખેંચવો પડ્યો છે. જોકે માત્ર કર્ણાટક જ નહીં, અગાઉ ઘણાં રાજ્યો આ પ્રયાસ કરી ચુક્યા છે. આમ તો પ્રાઈવેટ નોકરીઓમાં અનામત આપવી સરળ નથી, કારણ કે, બંધારણમાં આવો કોઈપણ નિયમ જ નથી, તેમ છતાં ઘણી રાજ્ય સરકારો બંધારણની ઉપરવટ જઈને આવું કરતી રહી છે.
ભારે વિરોધ બાદ કર્ણાટક સરકારે નિર્ણય પરત ખેંચ્યો
નોંધનીય છે કે મંગળવારે (16 જુલાઈ) કર્ણાટક સરકારની કેબિનેટમાં અનામતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે નિર્ણય લીધો હતો કે કર્ણાટકમાં પ્રાઇવેટ કંપનીઓમાં ગ્રુપ સી અને ગ્રુપ ડી કેટેગરીની નોકરીઓમાં 100 ટકા સ્થાનિક લોકો માટે અનામત રહેશે, એટલે કે માત્ર કન્નડ લોકોને નોકરીએ રાખી શકાશે. પ્રાઇવેટ કંપનીના મેનેજમેન્ટ લેવલમાં પણ 50 ટકા પદો માત્ર કન્નડ લોકો માટે અનામત રહેશે. તથા નોન-મેનેજમેન્ટ પદો પર 75 ટકા અનામત રહેશે. જોકે છેવટે ભારે વિરોધ થયા બાદ કર્ણાટક સરકારે નિર્ણય પરત ખેંચી લીધો છે.
આ પણ વાંચો : કર્ણાટકમાં ખાનગી કંપનીઓમાં 100 ટકા અનામતનો વિરોધ
કર્ણાટકના મુખ્યમંત્રી શું કહ્યું હતું?
રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું, કે ‘અમારી સરકારની ઈચ્છા છે કે કન્નડ લોકોને પોતાની જમીન પર આરામદાયક જીવન જીવવાનો અવસર મળે. અમારી સરકાર કન્નડ લોકોને સમર્થક સરકાર છે. અમારી પ્રાથમિકતા કન્નડ લોકોનું કલ્યાણ કરવાની છે.’ કર્ણાટક સરકારના આ નિર્ણય પર ચારે તરફથી ભારે વિરોધ થયો હતો. મોટી કંપનીઓ દ્વારા પણ સરકાર પર આ નિર્ણય રદ કરવાનું દબાણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કર્ણાટકમાં આવો કાયદો લાવવાનો ચોથો પ્રયાસ
પ્રાઇવેટ કંપનીઓમાં સ્થાનિક લોકોને અનામત આપવાના નિર્ણય માત્ર કર્ણાટક સરકારે જ નહીં, અગાઉ ઘણી રાજ્ય સરકારોએ પણ નિર્ણય લીધો હતો. કર્ણાટકમાં આવો ત્રીજી વખત પ્રયાસ થયો છે. રાજ્યમાં અગાઉ 2014 અને 2017માં પણ સરકારે પ્રયાસ કર્યો હતો. ઓક્ટોબર 2020માં યેદિયુરપ્પાની આગેવાની હેઠળની ભાજપ સરકારે ખાનગી નોકરીઓમાં ગ્રુપ C અને Dમાં સ્થાનિકોને 75 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. જોકે તેનો અમલ થઈ શક્યો નથી.
આ પણ વાંચો : એક જ દિવસમાં કર્ણાટક સરકારનો યુટર્ન: પ્રાઇવેટ નોકરીઓમાં સ્થાનિકોને અનામતના નિર્ણય પર રોક
કર્ણાટક પહેલા આ રાજ્યોમાં થયો હતો આવો પ્રયાસ
સૌથી પહેલા વર્ષ 2019માં આંધ્ર પ્રદેશમાં ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 75 ટકા અનામત આપવા માટે કાયદો બનાવાયો હતો. આંધ્ર પહેલું રાજ્ય હતું જ્યાં આવો કાયદો લવાયો હતો. જોકે, હાઈકોર્ટે તેને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારબાદ 2019માં મહારાષ્ટ્રમાં પણ આવો પ્રસ્તાવ બનાવાયો હતો અને વિધાનસભામાં લાવવાની પણ તૈયારી કરી હતી, પણ લવાયો ન હતો. આ ઉપરાંત તેલંગાણામાં ઓગસ્ટ-2020માં, મધ્ય પ્રદેશમાં 2019માં, હરિયાણામાં 2020માં, ઝારખંડમાં ડિસેમ્બર-2023માં આવો કાયદો લાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ આ રાજ્યો સફળ થઈ શકી ન હતી.