– રૂપિયા બદલી આપવા સામે 10 થી 50 ટકા સુધીના કમિશનની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા હતા
– યુ.પી.ના બદારિયું, વીકળિયા ગામની ચોકડી પાસેથી બંટી-બબલી અને તેના સાગરીતને પોલીસે ઉઠાવી લઈ રોકડ, બે કાર, 12 મોબાઈલ, છરી મળી કુલ રૂા. 17.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
બનાવની મળતી વિગત મુજબ ગારિયાધાર તાલુકાના ભંડારિયા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા અશોકભાઈ બાલાભાઈ હીરપરા (ઉ.વ.૫૯)ને મીતલ પટેલ નામથી ઓળખ આપનાર ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધમલી અરવિંદભાઈ પરમાર નામની ૩૦થી ૩૫ વર્ષની ઉંમરની મહિલાએ પોતે પટેલની દીકરી છે, મૂળ અમરેલીની અને હાલ અમદાવાદ રહેતી હોવાનો ડોળ કરી વોટ્સએપ કોલ કરી આશારામ બાપુના ભંડારાના રૂપિયા બદલવા ૧૦ લાખે ૧૦ ટકા, ૨૦ લાખે ૨૦ ટકા અને ૫૦ લાખે ૫૦ ટકા કમિશન આપવાની લાલચ આપ્યા બાદ બે અને ચાર લાખ રૂપિયાને કમિશન સાથે ૬.૬૦ લાખ બદલી આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વધુ કમિશનની લાલચ આપતા ખેડૂત આધેડ અશોકભાઈએ તેમની બચતના, તેમના દિકરા અને મિત્ર સર્કલ, સગા-સબંધી પાસેથી ૧૫ લાખ તેમજ ભાણેજ ભાવેશભાઈએ તેની બચતના, મિત્ર સર્કલ અને પિતાજી તેમજ પિતાજીના મિત્ર સર્કલમાંથી રૂા.૪૮ લાખ મળી કુલ રૂા.૬૩ લાખ ભેગા કરી અશોકભાઈ અને તેમના ભાણેજ ભાવેશભાઈ ગત તા.૨૭-૫ના રોજ મહિલા સાથે ભાવેશભાઈની કારમાં બેસી ઢસા ગામે ગયા હતા. ત્યાં ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધમલીએ પૂર્વ આયોજીત કાવતરું રચી મામા-ભાણેજને ઢસા ગામે રાજકોટ-ભાવનગર રોડ, માંડવા ઓવર બ્રીજથી પહેલા ડુમાણિયા હનુમાનજી મંદિર પાસે, બસ સ્ટેન્ડની બાજુમાં કટારિયા પાઈપ પાસે લઈ જઈ કાર પાર્ક કરાવતા સાંજના સમયે સ્કોડા કાર નં.જીજે.૧.આરબી.૧૮૮૮માં મોઢે કપડું અને માથે ટોપી પહેરેલા બે પૈકીના એક શખ્સે અશોકભાઈના ગળે છરી રાખી ભય દેખાડી હલતા નહીં અને પાછળ પણ નહીં જોતા તેમ કહીં મીતલ અને બે અજાણ્યા શખ્સે ૬૩ લાખ ભરેલી બે બેગ બળજબરીપૂર્વક લઈ પોતાની કારમાં બેસી ટોળકી માંડવા બ્રીજ તરફ નાસી ગઈ હતી. વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવ બાદ આધેડે તપાસ કરતા મીતલ પટેલ તરીકે ઓળખ આપનારી મહિલાનું સાચું નામ ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધમલી અરવિંદભાઈ પરમાર (રહે, મુળ વિદ્યાનગર, હાલ ગારિયાધાર) હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે પ્રૌઢે ગત તા.૧૨-૬ના રોજ મહિલા અને બે અજાણ્યા શખ્સ સામે ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે આરોપીઓને પકડી પાડવા બોટાદ એલસીબી અને ઢસા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ વગેરેની મદદ લઈ છેલ્લા એક માસથી વધુ સમયથી શોધખોળ શરૂ રાખી હતી. દરમિયાનમાં એક શખ્સ ઉત્તરપ્રદેશમાં હોવાનું પગેરૂં મળતા પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશના બદારિયું ખાતે પહોંચી હતી. જ્યાંથી પોલીસે હર્ષદ ઉર્ફે મુન્નો ભીખાભાઈ ટાંક (ઉ.વ.૪૯, રહે, બ્રહ્માણીનગર, નવાગામ રોડ, ગારિયાધાર) નામના શખ્સને ઉઠાવી લીધો હતો. જ્યારે ગેંગની માસ્ટર માઈન્ડ અરવિંદભાઈ બાઉચંદભાઈ પરમારની પુત્રી અને હર્ષદ ટાંકની પત્ની ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી ઉર્ફે મેડમ માયા ઉર્ફે મિતલ પટેલ (રહે, વિદ્યાનગર, પાલિતાણા રોડ, ગારિયાધાર, મુળ મોટા ઝીંજાવદર, તા.બોટાદ) તેમજ પૃથ્વીસિંહ ભુપતસિંહ વઘેલા (ઉ.વ.૩૧, રહે, હાલ રાઘેસ્વપ્ન રેસીડેન્સી, આઈ-૧૦૧, સાણંદ, મુળ ૩૭, શિવકૃપા સોાસયટી, સાણંદ, જિ.અમદાવાદ) નામના શખ્સની લીમડા-દામનગર રોડ, વીકળિયા ગામની ચોકડી ખાતેથી ધરપકડ કરી હતી.
આશારામબાપુના ભંડારાના નામે લોકોના લાખો રૂપિયા લઈ ભાગી જતી ટોળકીના કબજામાંથી પોલીસે રોકડ રૂા.૫,૨૦,૦૦૦, જીજે.૦૧.આરબી.૧૮૮૮, ડીસી.૦૬.સીઆર.૬૩૬૩ નંબરની બે કાર, ૧૨ મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧૭.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલી ગેંગ પાસેથી બાકીના રૂપિયા રિકવર કરવા સહિતની કાર્યવાહી-તપાસ માટે પોલીસે કોર્ટમાં રજૂ કરી ૧૮મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હોવાનું ઢસા પોલીસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
વધુમાં પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આ ટોળકી રૂપિયા બદલવા માટે મોટું કમિશન આપી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીથી ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, હરિયાણા રાજ્યમાં લોકોને ફસાવવા સક્રિય હોવાનું તેમજ ત્રણેય ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ગેંગ સામે ગારિયાધાર, યુ.પી., સાણંદ, બરવાળા, અમદાવાદ વગેરે પોલીસ મથકમાં છેતરપિંડી-મારામારી સહિતના ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.
બરવાળા પોલીસ પણ કબજો સંભાળશે
ગારિયાધારની બંટી-બબલી અને તેના સાગરીતની ગેંગે ભંડારિયાના પ્રૌઢ ઉપરાંત સમઢિયાળા ગામના સરપંચ સાથે પણ વિશ્વાસઘાત-છેતરપિંડી આચરી હતી. સમઢિયાળાના સરપંચ જીવરાજભાઈ ગઢિયાને પણ આશારામ બાપુના છુટ્ટા પૈસાનો વહીવટ કરવાના નામે બાટલીમાં ઉતારી સાત માસ પૂર્વે બરવાળા લઈ જઈ ૧૦ લાખ રોકડ ભરેલો થેલો લઈ ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી ઉર્ફે મેડમ માયા ઉર્ફે મિતલ પટેલ નામની મહિલા અને હરેશ ઉર્ફે હર્ષદ ઉર્ફે મુન્નો ભીખાભાઈ ટાંક નામનો શખ્સ કારમાં નાસી ગયા હતા. જે અંગે ગઈકાલે મંગળવારે સરપંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી બરવાળા પોલીસ પણ તપાસના કામે આ ટોળકીનો કબજો સંભાળશે તેમ જાણવા મળ્યું છે.