Image: File Photo
C-60 Force: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં બુધવારે(17મી જુલાઈ) છત્તીસગઢની સરહદે આવેલા વિસ્તારમાં પોલીસ અને કમાન્ડોએ સાથે મળી મળીને 12 નક્સલવાદીઓ ઠાર કર્યા હતા. આ અથડામણમાં બે સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યાનુસાર, વંડોલી ગામમાં C-60 ફોર્સના કમાન્ડો અને નક્સલો વચ્ચે લગભગ છ કલાક સુધી અથડામણ ચાલી હતી. જેમાં 12 નક્સલો ઠાર થયા છે. આ કમાન્ડો નક્સલવાદીઓ માટે ખતરો બની ગયા છે.
શું છે સી-60 ફોર્સ
સી-60 ફોર્સ નક્સલોનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર પોલીસની ખાસ ટીમ છે, જેની રચના પહેલી ડિસેમ્બર 1990માં કરવામાં આવી હતી. આ ખાસ ટીમમાં શરૂઆતમાં 60 લોકોને રાખવામાં આવ્યા હતા, તેથી તેનું નામ સી-60 ફોર્સ રાખવામાં આવ્યું હતું. સી-60 ફોર્સ રાજ્યમાં ખાસ કરીને ગઢચિરોલી જિલ્લા અને છત્તીસગઢને અડીને આવેલા વિસ્તારોમાં નક્સલવાદીઓને ખતમ કરવાની છે. આ ફોર્સની રચના તેલંગાણામાં ગ્રેહાઉન્ડ ફોર્સ અને આંધ્ર પ્રદેશના SOG સ્પેશિયલ યુનિટની જેમ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: VIDEO: યુપીમાં ટ્રેન દુર્ઘટના, દિબ્રૂગઢ એક્સપ્રેસના 10-12 કોચ ખડી પડ્યાં, અનેકને ઈજા
ગઢચિરોલીના તત્કાલીન એસપી કે.પી. રઘુવંશીએ ખાસ પહેલ કરીને આ ટીમની રચના કરી હતી. ત્યારબાદ આ ટીમમાં સામેલ સૈનિકોને હૈદરાબાદ, બિહાર, નાગપુરના ટ્રેનિંગ કેમ્પમાં ગેરિલા યુદ્ધની તાલીમ આપવામાં આવી. 26/11ના હુમલા દરમિયાન હેમંત કરકરેના મૃત્યુ બાદ કેપી રઘુવંશીને મહારાષ્ટ્ર એટીએસના વડા બનાવવામાં આવ્યા હતા. માઓવાદી પ્રવૃત્તિઓ અને હુમલાઓમાં વધારો થવાને કારણે, 1994માં દક્ષિણ ગઢચિરોલીમાં બીજી સી-60 ફોર્સ ઊભી કરવામાં આવી હતી.
સી-60 ફોર્સનો ઉદ્દેશ્ય શું છે?
છેલ્લા બે-ત્રણ દાયકાઓમાં સી-60 ફોર્સ બાતમીદારોનું નેટવર્ક વિકસાવવામાં સફળ રહી છે, જેણે હુમલાઓને રોકવામાં અને જાનહાનિ ઘટાડવામાં મદદ કરી છે અને નક્સલીઓનો ખાત્મો સરળ બનાવ્યો છે. સી-60 ફોર્સના ઉદ્દેશ્ય વિશે વાત કરતા, રઘુવંશીએ કહ્યું હતું કે, ‘તે સમયે લોકોએ પોલીસ પર વિશ્વાસ કર્યો ન હતો કારણ કે તેમને લાગ્યું હતું કે અમારી સુરક્ષા કરવાની સ્થિતિમાં નથી. તેથી અમે વિશેષ ટીમ બનાવીને પહેલા નક્સલીઓને પાઠ ભણાવવામાં આવ્યો અને બાદમાં બાતમીદારોનું મોટું નેટવર્ક બનાવવામાં આવ્યું. હવે નક્સલવાદી ગતિવિધિઓ ઘટી રહી છે. પોલીસ પર લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે.’
આ પણ વાંચો: NEET Row: તમામ વિદ્યાર્થીઓના પરિણામ વેબસાઈટ પર અપલોડ કરો, સુપ્રીમ કોર્ટે NTAને આપ્યો આદેશ
શરૂઆતમાં આ ફોર્સમાં ફક્ત એવા જ સૈનિકો કે જેઓ ગઢચિરોલીના સ્થાનિક અને ત્યાંના ભૂગોળથી પરિચિત હોય તેનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેની પાછળનું કારણ એ હતું કે સ્થાનિક વિસ્તાર, ભાષા, આબોહવા વગેરેની તેમની સમજને કારણે તેઓ હિંમતભેર નક્સલવાદીઓ સામે લડી શકે અને તેમના ચક્રવ્યૂહમાં પ્રવેશ કરી શકે. આ વ્યૂહરચનાથી ઓપરેશન પાર પાડવામાં પોલીસને પણ સફળતા મળી હતી.
જ્યારે આ સી-60 ફોર્સની રચના કરવામાં આવી ત્યારે તેમાં કુલ 100 સૈનિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ યુદ્ધ માટે ફોર્સની મહત્તમ સંખ્યા માત્ર 60 રાખવામાં આવી હતી, જ્યારે 30 સૈનિકો વહીવટી કાર્યો માટે રાખવામાં આવ્યા હતા. કોઈપણ સમયે ઓછામાં ઓછા 10 સૈનિકો રજા પર રહેશે તે ધ્યાનમાં રાખીને, એટલી જ સંખ્યામાં સૈનિકોને અનામત રાખવામાં આવ્યા હતા. આ ફોર્સનું સૂત્ર છે ‘વીરભોગ્ય વસુંધરા’ એટલે કે ‘બહાદુર પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરે છે’.