– ઈ-વે બીલ અને બીલ વગરના માલની હેરફેર કરનારા સામે કાર્યવાહી
– સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોર્ડે જનરેટર ઓઈલ, સ્ક્રેપ, સળિયા અને ઓઈલ જેવી કોમોડિટીમાં ગેરરીતિ ઝડપી
જીએસટી વિભાગની મોબાઈલ ચેકિંગ સ્ક્વોર્ડ ઈ-વે બીલ તથા બીલ વિના થતી માલની હેરફર પર વૉચ રાખે છે. ભાવનગરમાં સ્ટેટ જીએસટી વિભાગની મોબાઈલ ચેકિંગ સ્ક્વોર્ડ દ્વારા આવી ગેરીતિ પર સતત વૉચ રાખવામાં આવી રહી છેે. જે અંતર્ગત છેલ્લા ૬ મહિનામાં ભાવનગરમાં વિવિધ કોમોડિટિમાં ઈ-વે બીલ કે બીલ વિના માલની હેરફેર કરનારા ૧૩૦ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને રૂ. ૪ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના જાન્યુઆરી-૨૦૨૪ થી માર્ચ ૨૦૨૪ સુધીના અંતિમ ક્વાર્ટરમાં ૫૫ લોકો સામે કાર્વાહી કરી રૂ.૨.૪૪ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના એપ્રીલ-૨૦૨૪થી જુન-૨૦૨૪ સુધીના પ્રથમ ક્વાર્ટરમાં ૭૫ લોકો સામે કાર્યવાહી કરી રૂ.૧.૫૦ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. આમ, ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના છેલ્લા ૬ મહિનામાં ભાવનગર સ્ટેટ જીએસટીની મોબાઈલ ચેકિંગ સ્ક્વોર્ડ દ્વારા માલ-સામાનની હેરફેરમાં ગેરરીતિ કરતા કુલ ૧૩૦ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી રૂ.૪ કરોડનો દંડ વસૂલ્યો છે. ભાવનગરમાં જનરેટર ઓઈલ, સ્ક્રેપ, સળિયા અને ઓઈલ જેવી કોમોડિટીમાં ગેરરીતિ ઝડપાઈ છે. સ્ટેટ જીએસટીની સરખામણીએ સીજીએસટી નિષ્ક્રિય અવસ્થામાં હો તેમ જણાઈ રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે કામગીરીના ભારણના કારણે સીજીએસટીની મોબાઈલ ચેકિંગ સ્ક્રોર્ડ દ્વારા ચેકિંગની કામગીરી ખુબ જ ઓછા પ્રમાણમાં થાય છે.