– મોડી રાત્રે તાજીયાઓ ટાઢા કરાયા
– ઠેર ઠેર માતમી ઝુલુસમાં કોમી એકતાના પ્રેરક દર્શન થયા, ન્યાઝનું વિતરણ કરાયું
ભાવનગર શહેર જિલ્લામાં સુલેહ શાંતિ સાથે અને કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં મહોરમનો તહેવાર સંપન્ન થયો હતો. શહેરના તમામ તાજીયાઓ ઘોઘા બંદરે ટાઢા કરાયા હતા. તાજીયાના ઝુલુસ દરમિયાન નીયત રૂટ પર ઠંડા પાણી, શરબત, દૂધ કોલ્ડિંકસ અને જુદી જુદી ન્યાઝનું વિતરણ કરાયુ હતુ.તાજીયાના ઝુલુસ દરમિયાન પોલીસ પેટ્રોલીંગ અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અને તમામ સરકારી વિભાગો દ્વારા પ્રાથમિક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી હતી. તાજીયા ઝુલુસના કાર્યક્રમને સફળ બનાવવા માટે સેન્ટ્રલ તાજીયા કમિટીના આગેવાનો, કસ્બા અંજુમને ઈસ્લામ ,ભાવ.ના આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ભાવનગર શહેર ઉપરાંત વરતેજ, ઘોઘા, ઉમરાળા, વલ્લભીપુર, મહુવા, ખુંટવડા, બગદાણા સહિતના સ્થળોએ પણ કલાત્મક તાજીયાઓ નિકળ્યા હતા. જયારે સિહોરમાં લીલાપીરના મેદાન ખાતેથી તાજીયાનું ઝુલુસ નિકળ્યુ હતુ. જે સુરકાના દરવાજા પાસે થઈને ઘાંચીવાડ, જલુના ચોક, મકાતના ઢાળ, બજાર, આંબેડકર ચોકમાં પહોંચી હતી. જયાં હિન્દુ તથા મુસ્લિમ બિરાદરોએ શ્રીફળ વધેરી માનતાઓ પુરી કરી હતી. આ વેળા કોમી એકતાના પ્રેરક દર્શન થયા હતા. જે સાંજે ખોજા જમાતખાનામાં પરત ફર્યા હતા. તાજીયાના રૂટ પર ઠેર ઠેર ન્યાઝનું વિતરણ કરાયુ હતુ. તળાજામાં શિયા મુસ્લિમ સમાજ દ્વારા માતમ મનાવાયો હતો. વ્હોરા સમાજ દ્વારા મસ્જિદમાં જ માતમ મનાવાયો હતો. ખોજા સમાજ દ્વારા ગુલુભાઈની વાડીથી લઈને કબ્રસ્તાન સુધી તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યુ હતુ. એક તાજીયા દેવડીચોક ખાતે પરંપરા પ્રમાણે રાખવામાં આવ્યા હતા.જેસરમાં ગત મોડી રાત્રે તાજીયા પડમાં આવ્યા હતા. બીજા દિવસે સવારે મદ્રેસા એ ગોશિયા ફૂલવાડીમાં તકરીર અને વાઈઝનો પ્રોગ્રામ યોજાયો હતો. બપોર બાદ જેસરમાં તાજીયાનું ઝુલુસ ફર્યુ હતુ. ગારિયાધારમાં લીલાપીર દરગાહ અને મફતનગરમાં તાજીયાનું ઝુલુસ શ્રધ્ધાળુઓએ નીહાળ્યુ હતુ. ઠેર ઠેર ન્યાઝનું વિતરણ કરાયુ હતુ. વિરડીમાં પણ મહોરમ મનાવાયો હતો.ઉપરાંત ધંધુકા પંથકમાં મહોરમ પર્વ મનાવાયુ
ધંધુકાના રોજકા, ખડાણા, બાજરડા સહિતના ગામોમાં પણ મહોરમ પર્વની ઉજવણી કરાઈ હતી.ધંધુકામાં મારૂવાડા, મોહનવાડા, દેસાઈવાડા સહિતના પાંચ સ્થળોએ યા હુસેનના નારાઓ સાથે ઝુલુસ નિકળ્યા હતા.