Image: FreePik
The Mahila Samman Savings Certificate: કેન્દ્ર સરકાર દ્વારા લોકોમાં બચતની ટેવ કેળવવા તેમજ સંપત્તિ સર્જનનો હિસ્સો બનવા વિવિધ નાની બચત યોજનાઓનું સંચાલન થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને મહિલાઓ માટે મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ 7.5 ટકા વ્યાજદર આપતી બે વર્ષની બચત યોજના છે. જેનો લાભ લેવા ઈચ્છુકો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકે છે. તદુપરાંત બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, પીએનબી અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની અમુક પસંદગીની બેન્કોમાં મહિલા સન્માન સર્ટિફિકેટ અંતર્ગત ખાતુ ખોલાવી શકે છે.
કેવી રીતે રોકાણ કરવાનું રહેશે
મહિલા પોતે અથવા સગીર બાળકીઓના વાલી આ યોજના અંતર્ગત લઘુત્તમ રૂ. 1000થી માંડી મહત્તમ રૂ. 2 લાખ સુધીની ડિપોઝિટ કરી શકે છે. એક એકાઉન્ટ પરથી એક જ ડિપોઝિટ થઈ શકશે. એક જ ગ્રાહક દ્વારા આ સ્કીમ હેઠળ બે એકાઉન્ટ ખોલવામાં આવે તો તેણે બંને એકાઉન્ટમાં રોકાણ તારીખમાં 3 મહિનાનું અંતર જળવાયેલુ હોવુ જોઈએ. જેનો વ્યાજદર 7.5 ટકા પ્રતિ વર્ષ છે. જેમાં ત્રિમાસિક ધોરણે કમ્પાઉન્ડિંગના લાભ સાથે વ્યાજ જમા થાય છે. કમ્પાઉન્ડિંગ અર્થાત ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજનું પણ વ્યાજ મળે છે. બે વર્ષના અંતે મેચ્યોરિટી બાદ ઉપાડ કરી શકાશે. મેચ્યોરિટી પહેલાં ઉપાડની જોગવાઈ હેઠળ એક વર્ષના અંતે 40 ટકા રકમ ઉપાડ પેટે પાછી ખેંચી શકે છે.
પોસ્ટ ઓફિસની આ ડિપોઝિટમાં નજીવા દરે રોકાણનો વિકલ્પ, રિટર્ન પણ બેન્ક એફડી કરતાં વધુ
આ બેન્કોમાં મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ ઉપલબ્ધ
1. બેન્ક ઓફ બરોડા
2. કેનેરા બેન્ક
3. બેન્ક ઓફ ઈન્ડિયા
4. પંજાબ નેશનલ બેન્ક
5. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા
એકાઉન્ટ ખોલાવવા માટે આ ડોક્યુમેન્ટ્સ જરૂરી
પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
જન્મનો દાખલો
આધાર કાર્ડ
પાન કાર્ડ
ડિપોઝીટ રકમ સાથે પે-ઈન-સ્લિપ તથા ચેક
એડ્રેસ પ્રુફ માટે પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયન્સ કે ચૂંટણી કાર્ડ, નરેગા જોબ કાર્ડ પૈકી ગમે તે એક