– વેપારી અને રાજકીય અગ્રણીઓએ પીજીવીસીએલની કચેરીએ જઈ રોષ ઠાલવ્યો
– વીજ લાઈન પર ચામાચિડીયું પડતા ફોલ્ટ આવ્યો, મોડી રાત સુધી ફોલ્ટ સેન્ટર અને અધિકારીઆએ ફોન રિસીવ નહિ કરતા લોકો અકળાયા
રાજુલા શહેરના સવિતાનગર ફીડરમાં ગત મોડી રાત્રિના વીજળી ડૂલ થઈ હોવાથી ફોલ્ટ સેન્ટરમાં લોકોએ ફોન કર્યાં હતા પરંતુ ફોન રિસિવ નહી થતાં અને સંતોષકારક જવાબ નહી મળતા લોકો અકળાયા હતા અને મોડે સુધી લાઈટ નહી આવતા રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખના પતિ, નાગરિક બેંકના ચેરમેન સહિતના રાજકીય અને વેપારી આગેવાનો તથા સ્થાનિકો રહીશો વીજ કચેરીએ પહોંચી વીજ તંત્ર સામે ભારે રોષ સાથે વિરોધ નોંધાવતા હોબાળો મચ્યો હતો અને મામલો વધુ ઉગ્ર બનતા પોલીસની ટીમ પીજીવીસીએલ કચેરીએ પહોંચી પોલીસની મધ્યસ્થિથી મામલો થાળે પડયો હતો. મોડી રાત્રે મુખ્ય અધિકારી દ્વારા ટેલિફોનિક વાતચીત કરી સવારે રૂબરૂ બેઠક કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાત્રી આપ્યા બાદ મધરાતે મામલો શાંત પડયો હતો. ફીડર સતત ફોલ્ટમાં રહેતું હોય અને ફોલ્ટ સેન્ટરમાં સંતોષકારક જવાબ નહી મળવા મુદ્દે વેપારીઓ અને આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે રાજુલા પીજીવીસીએલ નાયબ ઈજનેર રામ બલાઈએ જણાવ્યું હતું કે, રાતે વીજ લાઈન પર અચાનક ચામાચિડીયું પડતા ફોલ્ટ સર્જાયો હતો. અમારા જુ. એન્જીનિયર રાત્રે હાજર જ હતા. રાજુલા શહેરમાં હજારોની સંખ્યામાં કનેક્શન છે, કોલ સેન્ટર ઉપર એક સાથ અનેક કોલ આવતા હોય છે ત્યારે કેટલીક વખત ફોન લાગતો નથી. અમારી ટીમે રાતે જ ફોલ્ટ દૂર કરી લાઈટ આપી દીધી હતી.