ડોનાલ્ડ ટ્રમ્પ પરનો ખતરો હજુ ટળ્યો નહીં હોવાની આશંકા
માસ્ક પહેરેલો યુવક ખુલ્લેઆમ ચાકુ લહેરાવી રહ્યો હતો : પોલીસે તપાસ કરતા તેની બેગમાંથી એકે-૪૭ મળી હતી
નવી દિલ્હી: અમેરિકામાં ચાલુ વર્ષે નવેમ્બરમાં પ્રમુખની ચૂંટણી થવાની છે. તે અગાઉ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને પ્રમુખ જો બાઇડેનની વિરુદ્ધ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જોરદાર પ્રચાર કરી રહ્યાં છે. આ દરમિયાન જ તેમના પર પેન્સિલ્વેનિયામાં એક રેલી દરમિયાન હુમલો થયો હતો. જો કે તે હુમલામાં એક ગોળી તેમના કાનને સ્પર્ષ કરીને નીકળી ગઇ હતી અને તે બચી ગયા હતાં. થોડી સારવાર પછી તે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
જો કે હવે રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શન સેન્ટરની બહાર પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી છે. કારણકે તે ખુલ્લેઆમ ચાકુ લહેરાવી રહ્યો હતો.
વાસ્તવમાં આ ઘટના અમેરિકાના મિલ્વોકીની છે. અહીં રિપબ્લિકન પાર્ટીના કન્વેનશન સેન્ટરની બહાર પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી છે. જેણે માસ્ક પહેર્યો હતો.
મિલ્વોકીમાં જ રિપબ્લિકન પાર્ટીના નેશનલ કન્વેન્શનનું આયોજન થઇ રહ્યું છે. અહીંયા જ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રમુખ પદના સત્તાવાર ઉમેદવાર તરીકે પંસદ કરવામાં આવ્યા હતાં. અહીંથી ધરપકડ કરવામાં આવેલા યુવકની ઉંમર ૨૧ વર્ષ બતાવવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે જ્યારે શંકાસ્પદ આ કન્વેનશનમાં સામેલ થવા જઇ રહ્યો હતો ત્યારે કેપિટલ પોલીસના અધિકારીઓ અને હોમલેન્ડ સિકયુરિટીએ તેને રોક્યો હતો.
પોલીસને તેનો દેખાવ જોઇને જ શંકા ઉપજી હતી. તેણે સ્કી માસ્ક પહેર્યો હતો અને તેની પાસે એક બેગ પણ હતી. પોલીસે જ્યારે શંકાસ્પદની તપાસ કરી તો તેની બેગમાંથી એકે-૪૭ અને ગોળીઓ મળી આવી હતી.
તે હવામાં ચાકુ લહેરાવી રહ્યો હતો. પોલીસે જ્યારે તેને આમ ન કરવા કહ્યું તેમ છતાં તેણે ચાકુ લહેરાવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પેન્સિલ્વેનિયામાં એક રેલી દરમિયાન ટ્રમ્પ પર એક અજ્ઞાાત શખ્સે ગોળી ચલાવી હતી. જો કે ગોળી તેમના કાનને સ્પર્શીને નીકળી ગઇ હતી. તેમને કાનમાં ઇજા થઇ હતી જો કે તે સુરક્ષિત હતાં. જો કે સિક્રેટ સર્વિસના જવાનોએ તરત જ ગોળી મારી તે યુવકને ઠાર માર્યો હતો.