Image: Facebook
Madhya Pradesh Railway: તમે વિશેષ અવસર પર મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાના સમાચાર જોયા, વાંચ્યા અને સાંભળ્યા હશે. મધ્યપ્રદેશમાં રેલવેએ એક ડબ્બાની વિશેષ ટ્રેન દોડાવી જેના માટે ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે, કેમ કે આ વાઘના બે બચ્ચાના બચાવ માટે હતી. સોશિયલ મીડિયા પર લોકો ભારતીય રેલવેના આ પગલાના વખાણ કરી રહ્યાં છે.
બંને બચ્ચા 14-15 જુલાઈની રાત્રે બુધનીની નજીક જંગલ વિસ્તારમાં ટ્રેનથી ટક્કર બાદ ઘાયલ થઈ ગયા હતાં. બંનેને આ ટ્રેનથી ભોપાલ લાવવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે ટ્રેનની ચપેટમાં આવવાથી એક બચ્ચાનું મોત નીપજ્યું, જ્યારે બે ઘાયલ થઈ ગયા હતાં. બંને રેલવે ટ્રેકના કિનારે નાળામાં ફસાઈ ગયા હતાં.
ઘટના સ્થળ બે સુરંગોની વચ્ચે હતું. તેથી ત્યાં કોઈ વાહનને લઈ જવુ શક્ય નહોતું. બપોરે ભોપાલથી વિશેષ ટ્રેન ઘટના સ્થળ પર મોકલવામાં આવી. ટ્રેનથી 132 કિલોમીટરનું અંતર કાપીને બચાવ દળ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યુ તો બચ્ચાની માતા ત્યાં હાજર હતી. દરમિયાન બચાવ અભિયાન રોકવું પડ્યુ. મંગળવારે સવારે અભિયાન ફરીથી શરૂ કરવામાં આવ્યુ અને ઈજાગ્રસ્ત બચ્ચાને ટ્રેનમાં ચઢાવાયા. ત્યાંથી તેને ભોપાલ પહોંચાડવામાં આવ્યા. આ અભિયાન 3.20 કલાક ચાલ્યુ. બંને બચ્ચા હવે ઠીક છે.
મુખ્યમંત્રી મોહન યાદવે આ મુદ્દે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, મધ્યપ્રદેશ સરકારની તત્પરતા અને સંવેદનશીલતાથી રેલવે ટ્રેક પર ઘાયલ થયેલા વાઘણના બે બચ્ચાને સમયસર સારવાર મળવી પ્રશંસનીય છે. સીહોરના બુધનીમાં મિડઘાટ રેલવે ટ્રેક પર થયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશ સરકાર અને રેલવે મંત્રાલયે સમન્વયની સાથે ખૂબ ઓછા સમયમાં એક ડબ્બાની સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને, બંને બચ્ચાની શ્રેષ્ઠ સારવાર માટે ભોપાલ લાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભગવાનને બંને બચ્ચાને ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.