નવી દિલ્હી : વધતા ઉત્પાદન ખર્ચથી પરેશાન ખાંડ મિલોને રાહત આપવા માટે, સરકાર ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત (એમએસપી) વધારવાનું વિચારી રહી છે. નેશનલ કોઓપરેટિવ સુગર ફેક્ટરી ફેડરેશન સરકાર પાસે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારીને ૪૨ રૃપિયા પ્રતિ કિલો કરવાની માંગ કરી રહી છે. જેથી મિલોને વધતા ઉત્પાદન ખર્ચ વચ્ચે કામકાજ ચાલુ રાખવામાં મદદ મળી શકે.
નેશનલ કોઓપરેટિવ સુગર ફેક્ટરી એસોસિએશને જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર તાત્કાલિક નિર્ણયો નહીં લે તો ખાંડ ઉદ્યોગમાં ઓછો નફો, કાર્યકારી મૂડીમાં દેવું જેવી સમસ્યાઓ ફરી ઊભી થઈ શકે છે. સરકારે શેરડીની ફેર અને વળતરની કિંમતમાં ત્રણ વખત વધારો કર્યો છે, પરંતુ ખાંડની એમએસપીમાં કોઈ વધારો થયો નથી.
તમામ રાજ્ય સંઘો પાંચ વર્ષથી આની માગણી કરી રહ્યા છે, પરંતુ સરકારે તેના પર હકારાત્મક વિચાર કર્યો નથી.તેમણે દાવો કર્યો હતો કે આવી નીતિઓ ખાંડ ઉદ્યોગ માટે સમસ્યાઓ ઊભી કરી રહી છે. અમે માત્ર ખાંડના ઉત્પાદન ખર્ચની માંગ કરી રહ્યા છીએ. અમે ઉત્પાદન ખર્ચ તરીકે ઓછામાં ઓછા રૃ. ૪૧ પ્રતિ કિલો જોઈએ છીએ.
શેરડીની કિંમત વધી છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે અને લેબર ચાર્જમાં પણ વધારો થયો છે, પરંતુ ખાંડના ભાવ યથાવત્ છે.ખાંડ ઉદ્યોગને આશા છે કે સરકાર ખાંડના એમએસપીમાં સુધારો કરશે અને શેરડીની એફઆરપીમાં વધારા સાથે તેનો અમલ કરશે.