ગાંધીનગર નજીક નરોડા ચિલોડા હાઇવે ઉપર
ઓઢવથી મોપેડ લઈને જમાઈની ખબર કાઢવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના : ડભોડા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક નરોડા ચિલોડા હાઇવે ઉપર લવારપુર ગામના
બ્રિજ પાસે આજે સવારના સમયે મોપેડ લઈને પસાર થઈ રહેલા વૃદ્ધને લોડીંગ રીક્ષાના
ચાલકે અડફેટે લેતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ ઉપર જ મોત થયું
હતું. જે અકસ્માતની ઘટના અંગે ડભોડા પોલીસે રિક્ષાચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ
શરૃ કરી હતી.
ગાંધીનગર આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી
છે ત્યારે શહેર નજીક નરોડા ચિલોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું
છે. જે અકસ્માતની ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હિંમતનગરના દાવડ
પેથાપુર ગામે રહેતા અને મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા પ્રવીણભાઈ મનુભાઈ સાધુએ
ફરિયાદ નોંધાવી હતી કે, તેમના
પિતા મનુભાઈ અને માતા અમદાવાદ મહેશ્વરીનગર વિભાગ એક ઓઢવ ખાતે રહેતા હતા અને
પ્રાઇવેટ નોકરી કરતા હતા. દરમિયાનમાં આજે સવારના સમયે તેઓ તેમનું મોપેડ લઈને
બહેનના ઘરે જમાઈની ખબર કાઢવા માટે નીકળ્યા હતા. તે સમયે નરોડા ચિલોડા હાઇવે ઉપર
લવારપુર ગામના પાટીયા પાસે પૂર ઝડપે જઈ રહેલા લોડીંગ રીક્ષાના ચાલકે પાછળથી
મનુભાઈના મોપેડને અડફેટે લીધું હતું અને જેના કારણે તેઓ રોડ ઉપર પટકાયા હતા અને
શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા
હતા અને ત્યારબાદ તેમના પરિવારજનોને જાણ કરી હતી. જોકે ગંભીર ઇજાઓને કારણે તેમનું
સ્થળ ઉપર જ મોત થયું હતું. ત્યારબાદ આ ઘટના અંગે ડભોડા પોલીસ દ્વારા લોડીંગ
રીક્ષાના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.