Vadodara Dirty Water Problem : વડોદરાના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી દૂષિત ગંદા પાણીના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે આ અંગે વારંવાર રજૂઆત કરવાના કારણે દૂષિત પાણીની સર્જાયેલી સમસ્યાના ઉકેલ માટે ડે.મેયર સહિત સ્થાનિક નેતાઓ નગરસેવકો સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા.
જોકે સુએઝ પંપીંગ સ્ટેશનની ક્ષમતા ઓછી હોવાના કારણે સવારે અને સાંજે વરસાદી ગટર લાઈનો વિસ્તારમાં ઉભરાવા માંડે છે અને દુર્ગંધ ફેલાય છે. સુએઝ પંપીંગ સ્ટેશન નવું બનાવવા માટે પાંચ પાંચ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ આ અંગે કોઈ ફળદાયી પરિણામ નહીં આવ્યું હોવાનું ડે.મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું. જો વધારે કેપેસિટી વાળું સુએઝ પમ્પિંગ સ્ટેશન બની જતા ગંદા અને દૂષિત પાણીના પ્રશ્નનો કાયમી નિકાલ આવી જશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
માથાના દુખાવા સમાન દૂષિત પાણીના પ્રશ્ન છતાં તેનું કોઈ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી જેથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થાય છે અને પાણીજન્ય રોગચાળાની ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે. આ અંગે જો ટેન્ડર પ્રક્રિયા છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટર આગળ નહીં આવે તો પણ આ કામ અગ્રતા ધોરણે તાત્કાલિક રીતે હાથ પર લેવાશે નવાપુરા વિસ્તાર પ્રમાણમાં ખૂબ મોટો હોવાનું પણ ઉપસ્થિત સ્થાનિક કોર્પોરેટરો સહિત પદાધિકારીઓએ જણાવ્યું હતું.