ભારતમાં ત્રણ વર્ષ સુધી રખાશે
19 જુલાઈએ સાતારામાં ભવ્ય સમારોહ, બાદમાં 4 મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાશે
મુંબઈ : છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાઘ નખ ા બહુ પ્રતિક્ષા બાદ આજે લંડન સંગ્રહાલયમાંથી મુંબઈ લાવવામાં આવ્યું હોવાનું રાજ્યના સંસ્કૃતિ પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું.
આ વાઘ નખને હવે પશ્ચિમ મહારાષ્ટ્રના સતારામાં લઈ જવામાં આવશે. જ્યાં તેને ૧૯ જુલાઈથી પ્રદર્શિત કરવામાં આવશે.
આ વાઘના નખને સતારાના સંગ્રહાલયમાં ૭ મહિના સુધી રાખવામાં આવશે. વાઘના નખ સાથે બુલેટપ્રૂફ કવર પણ લાવવામાં આવ્યું હોવાનું સુધીર મુનંગટીવારે જણાવ્યું હતું. અહીં ઈતિહાસકારો અને નાગરિકોને વાઘના નખ જોવા મળશે.
વર્ષ ૧૬૫૯માં મરાઠા સામ્રાજયના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બીજાપુરના સેનાપતિ અફઝલ ખાનનો વધ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા વાઘ નખને લંડનના મ્યુઝિયમમાંથી લાવવામાં આવ્યા છે . તે ભારતમાં ૩ વર્ષ રહેશે.
મુનગંટીવારે કહ્યું કે સરકારે લંડનના વિકટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાંથી શસ્ત્રને મહારાષ્ટ્ર લાવવા પાછળ ૧૪.૦૮ લાખ રૃપિયાનો ખર્ચ થયો છે. તેમાં પ્રવાસ ખર્ચ અને કરાર પરના હસ્તાક્ષરનો સમાવેશ થાય છે.
આ વાઘના નખ રાજ્યના ચાર મ્યુઝિયમમાં રાખવામાં આવશે . ં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય, સતારાના મ્યુઝિયમમાં, નાગપુરમાં સેન્ટ્રલ મ્યુઝિયમ અને કોલ્હાપુરમાં લક્ષ્મી વિલાસ પેલેસમાં આ નખ નિહાળી શકાશે.