વડોદરા,શહેરની સયાજી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ૭ કેસ સારવાર માટે આવ્યા હતા. જે પૈકી ૩ ના મોત થયા છે. જોકે, હજી એક પણ દર્દીનો રિપોર્ટ આવ્યો નથી. તમામના રિપોર્ટ પેન્ડિંગ છે.
રાજ્યમાં ચાંદીપુરા ( વાયલ એનકેફેલાઇટિસ) ના કેસ ગરમ અને ભેજવાળી હવામાં ઝડપથી ફેલાય છે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આ વાયરસથી ફેલાતા રોગને નિયંત્રિત કરવા માટે ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. છેલ્લા વર્ષોમાં જે ગામોમાં શંકાસ્પદ કે કન્ફર્મ કેસમાં મૃત્યુ થયા હોય તેવા વિસ્તારોમાં અગ્રતાના ધોરણે સેન્ડ ફ્લાય નિયંત્રણના પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે.૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તાવના લક્ષણો જણાય તો ત્વરિત બાળરોગ નિષ્ણાંત પાસે સારવાર કરાવવા તાકીદ કરવામાં આવી છે.તમામ રેફરલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં આ પ્રકારના ચિહ્નો ધરાવતા કેસોને અગ્રતા આપી પ્રોટોકોલ મુજબ સારવાર કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. સેન્ડફ્લાયનું બ્રિડિંગ અટકાવવા માટે મેલેથીયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી ઘર તેમજ આજુબાજુ કરાવવી. જૂના માટીના તેમજ પ્લાસ્ટર વગરના મકાનોની દીવાલની તિરાડો માટીના લીપણથી પુરી દેવી જોઇએ.
છેલ્લા૧૫ દિવસમાં શહેરની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ સાત કેસ સારવાર માટે આવ્યા હતા. જે પૈકી ત્રણના મોત થયા છે. બે બાળકો વોર્ડમાં સારવાર હેઠળ છે. જ્યારે અન્ય બે બાળકોની તબિયત વધારે સિરિયસ હોઇ તેઓને આઇ.સી.યુ.માં સારવાર અપાઇ રહી છે. આ તમામ બાળકોના સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. જોકે, હજી એકપણ રિપોર્ટ આવ્યો નથી. તમામ રિપોર્ટ પેન્ડિંગ છે. ઉલ્લેખનીય છે કે, સયાજીમાં આવેલા ૭ કેસ પૈકી એકપણ કેસ વડોદરા જિલ્લાનો નથી. તમામ રિપોર્ટ વડોદરા જિલ્લાની આજુબાજુના જિલ્લાના છે.