Stock Market All Time High: આઈટી સેક્ટરના પ્રોત્સાહક પરિણામો તેમજ અમેરિકામાં સકારાત્મક પરિબળોના કારણે શેરબજાર ફરી તેજીથી ઝુમી ઉઠ્યું છે. ભારતીય શેરબજાર સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટીવ સંકેતો સાથે સતત આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ 3 જુલાઈએ 80000 ક્રોસ થયા બાદ માત્ર 10 ટ્રેડિંગ સેશનમાં 81000નું લેવલ વટાવ્યું છે.
સેન્સેક્સે સવારે નેગેટીવ ઝોનમાં ખૂલ્યા બાદ બપોરના ટ્રેડિંગ સેશનમાં 769.35 પોઈન્ટ ઉછળી 81485.9ની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. જો કે, નિફ્ટી હજી 25000નુ લેવલ ક્રોસ કરી શક્યો નથી. નિફ્ટી 249829.35ના ઓલટાઈમ હાઈ લેવલે પહોંચ્યો છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આક્રમક ખરીદીના પગલે આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 2 ટકા ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. બીએસઈ ખાતે 270 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 230 શેર્સ નવી વાર્ષિક ટોચે પહોંચ્યા હતા. 24 શેર્સ વર્ષના તળિયે અને 287 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
શેરબજારમાં તેજી પણ રોકાણકારોની મૂડી ઘટી
સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે. પરંતુ રોકાણકારોની મૂડી 1 લાખ કરોડ ઘટી છે. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3983 શેર્સમાંથી 1379માં સુધારો અને 2508માં ઘટાડો માર્કેટ બ્રેડ્થ નેગેટિવ સાથે સાવચેતીની હોવાનો સંકેત આપે છે. વોલેટિલિટી ઈન્ડેક્સ નિફ્ટી VIX પણ 2.43 ટકા ઉછાળા સાથે 14.57 પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટી દર્શાવે છે. આઈટી અને ટેક્નો ઈન્ડેક્સ 2 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયાલ્ટી સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં 2 ટકા સુધી ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.