Saurashtra’s dams on high alert : રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું ખીલી ઉઠ્યું છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યના જળાશયોની આવકમાં પાણીના નવા નીરની આવક થઇ છે. આ અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતાં સૌરાષ્ટ્ર ત્રણ ડેમ વાગડિયા, વાંસલ અને સસોઇ-2 સંપૂર્ણપણે છલકાતા હાઇ એલર્ટ પર છે. ત્યારે જાણીએ રાજ્યના અન્ય જળાશયોની કેવી સ્થિતિ છે…
સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહ 54 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 મિલિયન ક્યુબિક ફિટ એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 મિલિયન ક્યુબિક ફિટ એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા
આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે.
જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ જાહેર કરાયા છે.
રાજ્યના જળાશયોની સ્થિતિ
રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા ચેતવણી આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફૂલઝર (કે.બી.), ઉંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.57 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54 ટકા, ઉત્તર ગુજરાતના 15માં 26.33 ટકા, કચ્છના 20 જળાશયોમાં 22.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે.