અમદાવાદ,બુધવાર,17 જુલાઈ,2024
અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કુલ ૫૩૬ ઝાડ કપાવવા બદલ
જાહેરાતની બે એજન્સીને રુપિયા પચાસ-પચાસ લાખનો દંડ મ્યુનિ.તંત્રે કર્યો હતો.ઝવેરી
એન્ડ કંપની દ્વારા પચાસ લાખનો દંડ ભરી દેવામાં આવ્યો છે.૨૪ ઝાડ નહીં કપાવ્યા હોવા
અંગે ચિત્રા પબ્લિસિટીએ એસ્ટેટ વિભાગને જાણ કરી દંડ ભરવાનો ઈન્કાર કરતા
મ્યુનિ.ગાર્ડન વિભાગના અધિકારીઓ પુરાવા શોધવા લાગ્યા છે.
મ્યુનિસિપલ તંત્રે બંને જાહેરખબર એજન્સીઓને રુપિયા પચાસ
લાખનો દંડ ભરવા ઉપરાંત બે હજાર વૃક્ષ વાવવાની સાથે બે વર્ષ સુધી તેની માવજત કરવા
કહેવામાં આવ્યુ હતુ.ઝવેરી એન્ડ કંપનીએ એક મહિના બાદ રુપિયા પચાસ લાખનો દંડ ભરી
દીધો છે.બે હજાર વૃક્ષ વાવવા માટે પણ તૈયારી દર્શાવી છે.સોલા સાયન્સ સિટી રોડ ઉપર તથા અંકુર ચાર રસ્તાથી કામેશ્વર મહાદેવ રોડ
ઉપર કુલ ૨૪ વૃક્ષ કાપીનાંખવામાં આવ્યા હોવા અંગે ગાર્ડન વિભાગને જાણ એસ્ટેટ
વિભાગને જાણ કરી રુપિયા પચાસ લાખનો દંડ ફટકાર્યો હતો.એસ્ટેટ વિભાગે કંપનીને દંડ
ભરવા જાણ કરી હતી.જો કે બીજી વખત કંપની દ્વારા ઝાડ કપાવ્યા નથી એમ કહી દંડ ભરવા
મામલે હાથ અધ્ધર કરી દેવામાં આવ્યા છે.સામાન્ય માનવી દ્વારા કોઈ બાબતમાં નિયમ ભંગ
કરવામા આવે તો મ્યુનિસિપલ કમિશનર દંડ વસૂલવા તંત્રને ટારગેટ આપે છે.બીજી તરફ ઝાડ
કાપવાની બાબતમાં ગાર્ડન વિભાગ રજૂઆત કરે
છે ત્યારે એસ્ટેટ વિભાગ ઝાડ કપાયા હોવાના પુરાવા ગાર્ડન વિભાગ પાસેથી માંગે છે.