મુંબઈ : માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ને આપવાની રહેતી બાકી રકમની જાણકારી પૂરી પાડવાનું કંપનીઓ માટે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ફરજિયાત બનાવ્યું છે. આ માટે એમસીએ વી૩ પ્લેટફોર્મ પર એમએસએમઈ -૧ ફોર્મને નવેસરથી તૈયાર કરાયું છે.
એમએસએમઈને ચૂકવવાની રહેતી રકમ ૪૫ દિવસ બાદ પણ ન ચૂકવી શકાઈ હોય તો તેની માહિતી કંપનીઓએ નવા ફોર્મમાં સુપરત કરવાની રહેશે એમ કંપનીના બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે.
૪૫ દિવસની અંદર કરાયેલી ચૂકવણી, ૪૫ દિવસ બાદ કરાયેલી ચૂકવણી, ૪૫ દિવસ કે ત્યાંસુધી ચૂકવવાની રહેલી બાકી રકમ અને ૪૫ દિવસ બાદ પણ ન ચૂકવાઈ હોય તે રકમની માહિતી કંપનીઓએ પૂરી પાડવાની રહેશે. ૪૫ દિવસ બાદ પણ ન ચૂકવાઈ હોય તો તેની ઢીલ માટેના કારણો પણ કંપનીઓએ જણાવવાના રહેશે.
સરકારના આ નિયમને એસએમઈ ફોરમ દ્વારા આવકારવામાં આવ્યો છે. ૪૫ દિવસના પેમેન્ટનું ધોરણે વર્તમાન નાણાં વર્ષના પ્રારંભથી એટલે કે ૧લી એપ્રિલથી લાગુ કરવામાં આવ્યું છે.
એમએસએમઈ દ્વારા વર્કિંગ કેપિટલની અછતના કરવા પડતા સામનાને ધ્યાનમાં રાખી ૪૫ દિવસનું ધોરણ આવી પડયું છે. દેશમાં રોજગાર નિર્માણ તથા નિકાસ વૃદ્ધિમાં એમએસએમઈની ભૂમિકા મહત્વની રહેલી છે.