Image : IANS (File pic)
NEET UG 2024 SC Hearing: સુપ્રીમ કોર્ટેમાં આજે (18 જુલાઈ) NEET-UG 2024ની પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિ આક્ષેપ કરતી અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે NTAને NEET-UGના તમામ વિદ્યાર્થીઓના કેન્દ્ર અને શહેર મુજબના પરિણામો ઓનલાઈન અપલોડ કરવા કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 22મી જુલાઈએ થશે.
કોર્ટે શનિવાર બપોર સુધીમાં ઓનલાઈન અપલોડ કરવા કહ્યું
સુપ્રીમ કોર્ટે NTAને નિર્દેશ આપ્યો છે કે NEET-UGના તમામ વિદ્યાર્થીઓના પરિણામો શહેર અને કેન્દ્ર મુજબ શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓનલાઇન અપલોડ કરવામાં આવે. કોર્ટે સોમવાર સુધી કાઉન્સેલિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. સોલિસિટર જનરલે કહ્યું હતું કે ‘કાઉન્સેલિંગમાં થોડો સમય લાગશે. તે 24 જુલાઈની આસપાસ શરૂ થશે. બીજી તરફ, ચીફ જસ્ટિસે કહ્યું કે ‘અમે સોમવારે જ સુનાવણી કરીશું.’
આ પણ વાંચો : એક જ શરત પર NEETનું ફરીવાર આયોજન થશે..’, જાણો સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં શું શું કહ્યું?
વિદ્યાર્થીઓને સોમવાર સુધી રાહ જોવી પડશે
NEET-UG પરીક્ષા રદ થશે કે નહીં? આજે સુપ્રીમ કોર્ટમાં લાંબી ચર્ચા બાદ પણ 23 લાખ મેડિકલ વિદ્યાર્થીઓ આ સવાલના જવાબની રાહ જોઈ રહ્યા છે. સુનાવણી દરમિયાન અરજદારોની લઘુતમ સંખ્યા, IIT મદ્રાસનો રિપોર્ટ, પેપરમાં ક્યારે અને કેવી રીતે ગેરરીતિ થઈ, કેટલા સોલ્વર્સ પકડાયા, ફરીથી તપાસની માંગ અને પેપરમાં થયેલી ગેરરીતિઓની સંપૂર્ણ સમયરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે ઉમેદવારોએ સોમવારે યોજાનારી NEET વિવાદ પર સુનાવણીની રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે જો આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોય અને હજારો વિદ્યાર્થીઓ તેનાથી પ્રભાવિત થયા હોય તેવા પુરાવા હોય તો જ ફરી પરીક્ષા યોજવા અંગે વિચારી શકાય.
આ પણ વાંચો : NEET પેપર લીક મામલે CBIની મોટી કાર્યવાહી
કોર્ટે NTA પાસેથી જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે NTAને પૂછ્યું 23.33 લાખ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓએ તેમનું પરીક્ષા કેન્દ્ર બદલ્યું? તેના પર NTAએ જવાબ આપ્યો કે કરેક્શનના નામે વિદ્યાર્થીઓએ સેન્ટર બદલી નાખ્યું છે. 15,000 વિદ્યાર્થીઓએ કરેક્શન વિન્ડોનો ઉપયોગ કર્યો હતો. જોકે, NTAએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માત્ર શહેર બદલી શકે છે અને કોઈપણ વિદ્યાર્થીઓ કેન્દ્ર પસંદ કરી શકતા નથી. કેન્દ્રની પસંદગી એલોટમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. કેનદ્રની ફાળવણી પરીક્ષાના બે દિવસ પહેલા જ થાય છે, તેથી વિદ્યાર્થીઓને કયું કેન્દ્ર મળશે તેની કોઈને ખબર હોતી નથી.