નર્સિંગ કોર્સના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો
મારામારીના વાયરલ થયેલા વીડિયો બાદ પોલીસે ચાર જણા સામે ગુનો નોંધ્યો
આણંદ: લગભગ અઠવાડિયા પૂર્વે આણંદ શહેરના ર્ડા.મહેન્દ્ર શાહની હોસ્પિટલ નજીક થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ શહેર પોલીસે ગતરોજ ચાર શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્સિગના વિદ્યાર્થીઓ વચ્ચે મજાક મામલે ઝઘડો થયો હતો. જે મારામારી સુધી પહોંચી ગયો હતો.
તાલુકા મથક ઉમરેઠના લીંગડા ગામે રહેતો ઓમ ઉર્ફે હરી મહેશભાઈ સોલંકી આણંદ શહેરની ર્ડા.મહેન્દ્ર શાહની હોસ્પિટલ નજીક આવેલ એક ઈન્સ્ટીટયુટમાં નર્સિંગના કોર્ષનો અભ્યાસ કરે છે. તેની સાથે ભાલેજ ગામનો જસ્ટીન મેકવાન પણ અભ્યાસ કરતો હોવાથી બંને મિત્રો સાથે અપડાઉન કરે છે.
ગત તા.૯મીના રોજ ઈન્સ્ટીટયુટ ખાતે ક્લાસમાં શિક્ષકે બ્લેકબોર્ડ ઉપર સ્પેલિંગ લખવા માટે ઓમ ઉર્ફે હરીને બોલાવ્યો હતો. સ્પેલિંગ લખીને પરત બેસતી વખતે મિત્ર જસ્ટીન સાથે તેણે મજાક કરી હતી. જેને લઈ નજીકમાં બેઠેલ ારચિતને તેની સાથે મજાક કરી હોવાનું લાગ્યું હતું.
જેથી તે ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જે તે સમયે સમાધાન થઈ ગયું હતું. પરંતુ બીજા દિવસે રીસેષ પડતા ઓમ અને જસ્ટીન નજીકમાં આવેલ ચ્હાની લારીએ ચ્હા પીવા ગયા હતા ત્યારે રચિત અને નીતિન ત્યાં આવી પહોંચ્યા હતા અને ગમે તેમ અપશબ્દો બોલી મારામારી કરવા લાગ્યા હતા.
આ તકરારમાં વ્રજ પરમાર તથા અન્ય એક અજાણ્યો શખ્શ ત્યાં આવી પહોંચ્યો હતો અને જસ્ટીન મેકવાનને પગના ભાગે લાકડી મારી હતી જ્યારે નીતિને ખંજર મારવાનો પ્રયાસ કર્યા બાદ ચારેય શખ્શોએ બંને મિત્રોને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.