– રીપબ્લિકન પાર્ટીનાં અધિવેશનમાં ઉષા વાન્સે પતિની ભરપેટ પ્રશંસા કરી કહ્યું તેઓ ભારતીય રસોઈ પણ બહુ સરસ બનાવે છે
વૉશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પના રનિંગ મેઇટ જે.ડી.વાન્સનાં પત્ની ઉષા વાન્સે તેઓના પતિ અંગે બુધવારે મિલવૉકીમાં યોજાયેલાં રિપબ્લિકન પાર્ટીનાં અધિવેશનમાં ઘણી ઘણી વાતો કરી, સાથે ભરપેટ પ્રશંસા પણ કરી હતી. ઉષા ચીલુકુટી વાન્સે, પોડીયમ ઉપરથી પોતાના પતિએ યેલ યુનિવર્સિટીમાં તેઓએ મેળવેલાં ગ્રેજ્યુએશન તથા ત્યાં જ બંનેની થયેલી મુલાકાતની યાદ તાજી કરી હતી. આ સાથે વાન્સે કઇ રીતે શુદ્ધ શાકાહારી ખોરાક સ્વીકાર્યો અને પોતાને સહાય કરવા માટે ભારતીય રસોઈ કરતાં પણ કઇ રીતે શીખ્યા તેની પણ તેઓએ વાત કરી હતી. તેઓએ કહ્યું : તે સમજવું જ ઘણું મુશ્કેલ છે કે અસામાન્ય મુશ્કેલીઓ વેઠી પોતાનાં માતામહી (માતાનાં માતા) પાસે ઉછરેલી વ્યક્તિને ગજબના પડકારોનો દેશ જ્યારે સામનો કરી રહ્યો છે ત્યારે તેને દોરવામાં આવી વ્યક્તિ આગળ આવી શકે.
ઉષાવાન્સ પોતે એક શ્રેષ્ઠ વ્યક્તિ છે. તેઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટસનાં ક્લાર્ક તરીકે પણ કામ કર્યું છે. તેઓ હવે અમેરિકાનાં ભાવિ સેકન્ડ લેડી બનશે તેવી સંભાવના સ્પષ્ટ થઇ રહી છે.
માત્ર ૩૯ વર્ષની જ વયે અમેરિકાના ઉપપ્રમુખ પદે જે.ડી.વાન્સ આવશે તે લગભગ નિશ્ચિત બની રહ્યું છે. અમેરિકાના ઇતિહાસમાં સૌથી નાની વયે, ઉપપ્રમુખ બનનારાઓનાં તેઓ બીજા ક્રમે છે.
જે.ડી.વાન્સ પોતાને અમેરિકાના નીચલા મધ્યમવર્ગના ચેમ્પીયન તરીકે દર્શાવે છે. તેના ઉત્કર્ષ માટે તેઓ પ્રયત્નો કરવાના છે. તેઓ પોતે જ તે વર્ગમાંથી આવે છે.