Uttar Pradesh Kanwar Yatra 2024: 22મી જુલાઈથી હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઇ રહ્યો છે. તેની સાથે શ્રાવણ માસના પહેલા દિવસથી કાવડ યાત્રા પણ શરુ થઇ જશે. શ્રધાળુ હરિદ્વારથી આ યાત્રાની શરૂઆત કરશે. પરંતુ યાત્રા પહેલા યુપી પોલીસના એક આદેશથી વિવાદ થઇ ગયો છે. યોગી સરકારે કાવડ માર્ગ પર આવતા દુકાનદારો માટે આદેશ જાહેર કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ દુકાનો અને ગાડીઓ પર તેના નામ લખે જેથી કાવડ યાત્રી જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે. એટલે કે હવે ઘનશ્યામ હોય કે ઈમરાન દરેકે પોતાની હોટેલ-દુકાનની બહાર નેમ પ્લેટ લગાવવી પડશે.
આ પણ વાંચો: હિંસા બાદ આ રાજ્યમાં હિન્દુઓ પલાયન કરવા મજબૂર! કાશ્મીર જેવી સ્થિતિ સર્જાયાનો ભાજપનો દાવો
કેમ લીધો યોગી સરકારે નિર્ણય?
આ બધા વિવાદો વચ્ચે સીએમ યોગીએ કાવડ યાત્રામાં કોઈ અસુવિધા ના થાય તે માટે પગલા ભર્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું છે કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પર ખાદ્યપદાર્થોની દુકાનો પર ‘નેમ પ્લેટ’ લગાવવાની રહેશે અને દુકાનો પર માલિક અને તેમની ઓળખ લખવાની રહેશે. સીએમઓના જણાવ્યા અનુસાર, કાવડ યાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને હલાલનું પ્રમાણપત્ર ધરાવતા ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: 5 દિવસની અંદર જ બોમ્બથી ઉડાવી નાખીશ..’ યોગીને ધમકી આપનાર LLBનો સ્ટુડન્ટ ઝડપાયો
યુપીના મંત્રીએ કર્યું ખુલીને સમર્થન
યુપી સરકારના મંત્રી કપિલ દેવ અગ્રવાલે આ નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે, હરિદ્વાર ગૌમુખથી દેશભરના કાવડ યાત્રીઓ તેમના પાણી લઈ તેમના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધે છે. સમગ્ર યાત્રા દરમિયાન તેમને મુઝફ્ફરનગર આવવું પડે છે. એવું જોવામાં આવ્યું છે કે ત્યાં કેટલાક લોકો પોતાની દુકાનો, ઢાબા અને રેસ્ટોરન્ટના નામ હિંદુ ધર્મના નામે રાખે છે જ્યારે તેના માલિક મુસ્લિમ લોકો હોય છે. તે મુસ્લિમ છે તેમાં અમને કોઈ વાંધો નથી. સમસ્યા ત્યારે આવે છે જ્યારે તે તેમની દુકાન પર નોનવેજ વેચે છે. તેઓ હિન્દુ ધર્મના વૈષ્ણો ઢાબા ભંડાર, શાકુંભારી દેવી ભોજનાલય, શુદ્ધ ભોજનાલય જેવા નામ લખીને માંસાહાર વેચે છે. અમને તેની સામે મોટો વાંધો છે. મારી જિલ્લા વહીવટીતંત્ર પાસે માંગ હતી કે આવા ઢાબાઓ પર તે લોકોના નામ જ લખવામાં આવે. આમાં વાંધો શું છે? ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં લોકો બ્રેડ પર થૂંકતા હોય છે અને રેસ્ટોરન્ટમાં પણ થૂંકતા હોય છે.
એક આદેશથી મુઝફ્ફરનગરના બજારોનું ચિત્ર બદલાઈ ગયું
પોલીસના આદેશથી મુઝફ્ફરનગરના બજારોની તસવીર બદલાઈ ગઈ છે. આ આદેશ પર પોલીસે સ્પષ્ટતા કરી છે કે, ‘પવિત્ર શ્રાવણ માસમાં ઘણા લોકો ખાસ કરીને કાવડીયાઓ તેમના આહારમાં અમુક વસ્તુઓ ખાવાનું ટાળે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ સામે આવી છે જેમાં ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનોના નામ એવી રીતે રાખ્યા છે કે તેનાથી કાવડીયોઓમાં ભ્રમ પેદા થાય છે એટલા માટે તેને રોકવા માટે, શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને કાવડ યાત્રાના રુટ પર આવતી હોટલ, ઢાબા અને ખાદ્યપદાર્થો વેચતા દુકાનદારોને તેમના માલિકો અને ત્યાં કામ કરનારા લોકોના નામ સ્વેચ્છાએ દર્શાવવા વિનંતી કરવામાં આવી છે.
પોલીસ દલીલ કરે છે કે તેમના આદેશનો હેતુ ભક્તોને સુવિધા આપવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. યુપી પોલીસના આ આદેશની અસર જોવા મળી ગઈ છે. લોકોએ મુઝફ્ફરનગરમાં પોતાની દુકાનો, હોટલ, અને ગાડીઓ પર પોતાના નામ સાથે ચિહ્નો લગાવી દીધા હતા. વહીવટીતંત્રની દલીલ છે કે કાવડીયાઓની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે. જેને કાવડીયાઓ પણ યોગ્ય માને છે.
વિપક્ષે સરકાર પર કર્યા આકરા હુમલા
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આદેશને સ્પષ્ટ રીતે ‘ભેદભાવપૂર્ણ’ ગણાવ્યો અને આરોપ લગાવ્યો હતો કે, આ દર્શાવે છે કે સરકાર ઉત્તર પ્રદેશ અને સમગ્ર દેશમાં મુસ્લિમોને ‘દ્વિતીય વર્ગ’ ના નાગરિક બનાવવા માંગે છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ આદેશને “સામાજિક અપરાધ” ગણાવ્યો અને અદાલતોને આ કેસની સ્વતઃ સંજ્ઞાન લેવા જણાવ્યું.