Chandipura Virus Sandfly : સમગ્ર ગુજરાતમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. આ રોગ ખરેખર શુ છે? તબીબી સૂત્રો અનુસાર આ વાયરસ સેન્ડફ્લાય કે જે બાલુમાખી તરીકે ઓળખાય છે તે કરડવાથી ફેલાય છે અને આ માખી મકાનોની દિવાલોની અંદર કે બહારની તિરાડમાં રહે છે અને અંધારિયો, હવા ઉજાસ વગરનો રૂમ હોય તેમાં પેદા થાય છે.
ભારતમાં સૌ પ્રથમ વર્ષ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા નામના ગામમાં આ વાયરસના કેસો નોંધાયા હતા અને તે ગામના નામ પરથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડી ગયેલ છે. આ વાયરસ ફેલાવતું જંતુ જે મચ્છર કરતા કદમાં નાનુ હોય છે, તે જમીન ઉપર મચ્છરની જેમ દૂર સુધી ઉડતું નથી પરંતુ, કુદકા મારતું ઉડતું હોય છે અને જમીનથી મહત્તમ 6 ફૂટ ઉંચાઈ સુધી ઉડી શકે છે. અર્થાત્ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેનારાને જ જોખમ હોય છે.
આરોગ્ય તંત્ર મચ્છરોની સાથે હવે આ જંતુઓને મારવા પાંચ ટકા મેલેથિયોનવાળા જંતુનાશક પાવડરનો ખાસ કરીને કાચા મકાનોમાં છંટકાવ કરવા પણ આયોજન કરી રહ્યું છે.
આ વાયરસનો ચેપ લાગવાનું જોખમ સામાન્ય રીતે 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકને વધુ હોય છે. ચેપ લાગ્યા પછી મગજના ટીસ્યુઝ ઉપર સોજો આવી જાય છે. આ કારણે ઘણીવાર ચાંદીપુરા કેસના દર્દીની મગજના તાવના દર્દી ગણી લેવાની શક્યતા હોય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવા વાયરસનું ટેસ્ટીંગ કરવા કોઈ લેબોરેટરી નથી અને તબીબો લક્ષણો મૂજબ સારવાર કરતા હોય છે. પરંતુ, હાલ જે રીતે બાળકોના મોત નોંધાઈ રહ્યા છે અને સેન્ડફ્લાય જેવા જંતુ માટે હાલ અનુકૂળ હવામાન મળતું હોય પ્રસરવાની ભીતિ છે.